નવી દિલ્હીઃ લૂંટનો ભોગ બનેલી દિલ્હીની પહેલી મહિલા રિક્ષા ડ્રાઇવરની મદદે રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યપ્રધાન વિજય ગોયલ પહોંચ્યા છે. રિક્ષા ડ્રાઇવર સુનીતા પાસેથી લૂંટારૂઓએ રૂ. ૩૦ હજાર લૂંટી લીધા હતા. તે આ રકમમાંથી નવી રિક્ષા ખરીદવા માગતી હતી. આ માહિતી વિજય ગોયલને મળી તો તેમણે મહિલા ડ્રાઇવરને પોતાના નિવાસસ્થાને બોલાવીને ૩૦ હજાર રૂપિયાનો ચેક આપ્યો. તેમણે કહ્યું કે સુનીતા છેલ્લા ૧૫ વર્ષથી રિક્ષા ચલાવે છે. તે તમામ મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેને રિક્ષા ખરીદવામાં મુશ્કેલી ના પડે એટલે મેં આ મદદ કરવાનો નિર્ણય લીધો છે.


