નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, યુરોપિયન યુનિયનમાં રહેવા અંગે યુકેમાં થયેલા રેફરેન્ડમ બાદ દિલ્હીમાં પણ ટૂંક સમયમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે રેફરેન્ડમ થશે.
ભૂતકાળમાં પણ માગ
કેજરીવાલ પ્રમાણે, ૧૯૯૪માં દિલ્હીના મુખ્ય પ્રધાન મદનલાલ ખુરાનાએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી હતી. ૧૯૯૮માં સીએમ રહેલા સાહિબસિંહ વર્માએ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. ૨૦૦૩માં તત્કાલિન ગૃહ પ્રધાન લાલ કૃષ્ણ આડવાણીએ દિલ્હી સરકારના બિલને સંસદમાં રજૂ કર્યું હતું. દિલ્હીની શીલા દીક્ષિત સરકારે પણ પોલીસ અને જમીન સિવાય બધું દિલ્હી સરકારને સોંપવાની માગણી કરી હતી. ઘણી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપા તેમના મેનિફેસ્ટોમાં પણ સત્તામાં આવ્યા બાદ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાના વાયદાઓ કરી ચૂકી છે. પ્રકારે કોંગ્રેસે પણ તેમના મેનિફેસ્ટોમાં સામેલ કરી ચૂકી છે.
દિલ્હી સરકારનું બિલ
દિલ્હી સરકાર દ્વારા ૧૮ મે, ૨૦૧૬ના રોજ મુદ્દે ડ્રાફ્ટ દિલ્હી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારે બિલને વેબસાઈટ પર અપલોડ કરીને લોકોના અભિપ્રાયો, સૂચનો અને ટિપ્પણીઓ પણ લીધી છે. દિલ્હી સરકારે ૩૦ મે સુધી લોકોને તેમના અભિપ્રાયો આપવા માટેનો સમય આપ્યો હતો. કેજરીવાલ પ્રમાણે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ લોકો અને પાર્ટીની ઘણી જૂની માગણી છે. તેમણે કહ્યું હતું કે, તે હવે તમામ પાર્ટીઓ અને વડા પ્રધાનને મળ્યા બાદ તેના પર સર્વસંમતિ બનાવવાનો પ્રયત્ન કરશે.
શું છે બિલમાં?
બિલમાં દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાની વાત કહેવામાં આવી છે. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, દિલ્હીની અંદર NDMC વિસ્તારની જમીન અને પોલીસ કેન્દ્ર સરકાર પાસે રહે, બાકી બધું દિલ્હીની ચૂંટાયેલી સરકારને આપવામાં આવે.