દિલ્હીમાં ૮.૫ની તીવ્રતાના ભૂકંપનો ખતરોઃ અભ્યાસનું તારણ

Thursday 20th December 2018 05:45 EST
 
 

નવી દિલ્હીઃ નિષ્ણાત ભૂસ્તરશાસ્ત્રીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે નજીકના ભવિષ્યમાં ભારે ભૂકંપ આવવાની આશંકા છે અને તાજેતરના એક અભ્યાસના પગલે વિજ્ઞાનીઓએ આપેલી ચેતવણીએ જોર પકડ્યું છે. અભ્યાસમાં કહેવાયું છે કે ક્ષેત્રમાં વધારે પડતાં દબાણની સ્થિતિને લીધે ૮.૫ કે તેનાથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. 

બેંગ્લૂરુમાં આવેલી જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના સિસ્મોલોજીસ્ટ અને અભ્યાસનું નેતૃત્વ કરનાર સી. પી. રાજેન્દ્રને કહ્યું કે ૧૩૧૫ અને ૧૪૪૦ વચ્ચે આવેલા ભયાવહ ભૂકંપ બાદ મધ્ય હિમાલયનું ક્ષેત્ર ભૂકંપની દૃષ્ટિએ શાંત રહ્યું છે પણ ભૂગર્ભીય ક્ષેત્રમાં ભારે દબાણ – તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. દિલ્હી માટે આ જોખમકારક વાત છે કેમ કે ભૂકંપની દૃષ્ટિએ આ ખૂબ જ સંવેદનશીલ છે.

તો માંડ ૨૦ ટકા ઇમારત બચશે

નિષ્ણાતો કહે છે કે જો આટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો શહેરની ૨૦ ટકા ઇમારતો જ બચી શકશે. અર્થ સાયન્સ મિનિસ્ટ્રીના એક જૂના અભ્યાસમાં યમુનાના પૂરથી પ્રભાવિત થનારા ક્ષેત્રમાં એ સ્થળોને અંકિત કરાયા હતા, જ્યાં ભૂકંપનું જોખમ સૌથી વધુ છે. આમાં પૂર્વ દિલ્હીના ગીચ વસતી ધરાવતા રહેણાંક વિસ્તારો પણ સામેલ છે.

ફક્ત ૧૦ ટકા ઇમારત ભૂકંપ ખમી શકશે

GRIHH કાઉન્સિલના સંસ્થાપક માનિત રસ્તોગીએ કહ્યું કે ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ દિલ્હીને ઝોન ૩થી ઝોન ૪માં શિફ્ટ કરી દેવાયું હતું. જોકે તમામ ઇમારતોની તેના પહેલા ડિઝાઇન બનાવાઈ છે. હું એટલું જ કહીશ કે દિલ્હીની ફક્ત ૧૦ ટકા ઇમારતો જ ભૂકંપ સહન કરી શકે છે.

દિલ્હી સરકારની મોટા ભાગની ઇમારતો ભૂકંપના કેન્દ્રમાં છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)ના સૂત્રોએ દાવો કર્યો છે કે તેના પર નિયમિતરૂપે નજર રાખવામાં આવી રહી છે અને તેની દેખરેખ પણ કરવામાં આવી રહી છે. સુરક્ષા માટે નિયમિત કામ કરાઈ રહ્યું છે.

ગુડગાંવ ખૂબ સંવેદનશીલ

ભૂકંપની દૃષ્ટિએ ગુડગાંવ શહેર એટલા માટે પણ સંવેદનશીલ છે કેમ કે તે ત્રણ ફોલ્ટલાઇન પર વસેલું છે. તેમાં ફોલ્ટ લાઇન સોહના, મથુરા અને દિલ્હી-મુરાદાબાદ છે. સૌથી વધુ સંવેદનશીલ ગુડગાંવ છે જેની આજુબાજુ સાત ફોલ્ટલાઇન આવેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter