દિવાળી ભારતના સુરક્ષા દળોને સમર્પિતઃ વડા પ્રધાન મોદી

જય જવાન જય હિંદના નારા સાથે સૈનિકો વચ્ચે દિવાળી ઉજવતા વડા પ્રધાન

Thursday 03rd November 2016 06:33 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દીપોત્સવી પર્વે રાષ્ટ્રજોગ સંબોધનમાં ભારતના સુરક્ષા દળોના શૌર્ય અને બલિદાનની ભરપૂર પ્રશંસા કરતા આ વર્ષની દીવાળી તેમને સમર્પિત કરી હતી. ૩૦ ઓક્ટોબરે તેમના અતિ લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૨૫મા મણકામાં વડા પ્રધાને આ લાગણી વ્યક્ત કરી હતી.
દેશવાસીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આપણા સૈનિકો ખડેપગે ફરજ બજાવીને આપણી સુરક્ષા કરી રહ્યા છે તેથી જ આપણે સહુ દિવાળી આનંદથી ઊજવી શકીએ છીએ. વડા પ્રધાને તેમના ‘સંદેશ ટુ સોલ્જર્સ’ અભિયાનમાં ભારતીય જવાનોને ઉમળકાથી દિવાળીની શુભેચ્છા પાઠવવા માટે અગ્રણી નાગરિકો તેમજ દેશવાસીઓનો આભાર માન્યો હતો.
તેમણે સૈનિકોને કહ્યું હતું કે હું આરામથી સૂઈ શકું છું, કારણ કે તમે સરહદ પર તૈનાત છો, તમને શત શત નમન. સૈનિકની સાથે પરિવાર પણ બલિદાન આપે છે, આ તમામ સૈનિક પરિવારોને મારી દિવાળીની શુભેચ્છા.
ઓલ ઇન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કરતાં વડા પ્રધાને દેશના તમામ નાગરિકો અને રાજ્ય સરકારોને સમગ્ર દેશમાં એકતા સર્જવાના માર્ગો શોધી કાઢવા અને અલગતાવાદીઓની માનસિકતાને પરાજિત કરવા અપીલ કરી હતી.
કાશ્મીરની અશાંતિ પર મોદીએ જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતા જ આપણી શક્તિ છે. એકતા જાળવવી નાગરિકો અને તમામ સરકારોની જવાબદારી છે.

જય જવાન, જય હિંદ

વડા પ્રધાન મોદીએ આ વર્ષે દીવાળીનું પર્વ સુરક્ષા દળના જવાનો સાથે ઉજવ્યું હતું. રવિવારે તેઓ હિમાચલ પ્રદેશમાં ચીનની સરહદ નજીક આવેલા કિન્નૌર પહોંચ્યા હતા અને ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી) કેમ્પમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. વડા પ્રધાન મોદીએ કિન્નૌરના સમદો ખાતેના આઈટીબીપી કેમ્પમાં પહોંચીને જવાનોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું.
બાદમાં વડા પ્રધાન ચાંગો ગામની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગ્રામીણો અને બાળકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને બાદમાં ટ્વિટ કર્યું હતું કે, સમદોમાં આઈટીબીપીના સાહસિક અધિકારીઓ તથા જવાનો સાથે સમય વીતાવ્યો... જય જવાન, જય હિંદ.
ભારત-પાકિસ્તાન સરહદ પરના તણાવનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને દેશમાં શાંતિ અને સુરક્ષાની જાળવણીનું શ્રેય સેનાના જવાનોને આપ્યું હતું અને દિવાળીની ઉજવણી દરમિયાન જવાનોની બહાદુરી યાદ કરવા દરેક નાગરિકને અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આપણા સૈનિકો દેશની સુરક્ષા માટે તેમનાં સર્વસ્વનું બલિદાન આપી રહ્યા છે. રણવિસ્તાર અને હિમાલયનાં બર્ફિલાં શિખરો પર દેશની સરહદોની સુરક્ષા કરી રહેલાં સુરક્ષા દળો આકરી મુશ્કેલીઓનો સામનો કરે છે. કોઈ રણમાં તૈનાત છે તો કોઈ વળી બર્ફિલાં શિખર પર.
કોઈ જવાન આપણાં ઔદ્યોગિક સંસ્થાનોની તો કોઈ જવાન આપણાં એરપોર્ટની સુરક્ષા કરી રહ્યા છે. દરેક જવાન ખડેપગે ફરજ બજાવે છે. દિવાળીનાં પર્વમાં આપણે તેમને યાદ કરીશું તો તેમને શક્તિ અને ઊર્જા મળી રહેશે.
સોમવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને યાદ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, દેશની એકતા માટે સરદારે આકરી મહેનત કરી હતી. વડા પ્રધાને સોમવારે આવી રહેલી સ્વ. વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની પૂણ્યતિથિને પણ યાદ કરી હતી. જોકે તેમણે ટીકા કરતાં જણાવ્યું હતું કે, જે દિવસે આપણે સરદારની જન્મજયંતી ઊજવીએ છીએ તે જ દિવસે ૧૯૮૪માં હજારો શીખોની હત્યા કરી નખાઈ હતી.

દેશવાસીઓને સ્વચ્છતાનો પણ સંદેશ

દિવાળીનાં પર્વ નિમિત્તે વડા પ્રધાને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દરેક પરિવારે તેમનાં ઘરની સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ખુલ્લામાં કુદરતી હાજતથી મુક્તિ માટે પ્રયાસ કરવાની જરૂર છે. હિમાચલ પ્રદેશ તાજેતરમાં જ ખુલ્લામાં કુદરતી હાજતની બદીમાંથી મુક્ત થયું છે તેનો આનંદ છે. આઈટીબીપીના જવાન વિકાસ ઠાકુરે શૌચાલય બનાવવા પંચાયતને રૂ. ૫૭ હજાર આપ્યા હતા. આ નાણાં ૫૭ પરિવાર વચ્ચે વહેંચવામાં આવ્યા છે. આની સાથોસાથ તેમણે કેરળમાં ઇજનેરીના વિદ્યાર્થીઓએ લાકુરી ગામમાં શૌચાલય બનાવવા કરેલા પરિશ્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો ગુજરાતે તમામ મહાનગરપાલિકાઓને ખુલ્લામાં કુદરતી હાજતથી મુક્ત જાહેર કરી હોવાની વાત પણ કરી હતી.

પાકિસ્તાની રેન્જરોને દિવાળીની મીઠાઇ નહીં

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રવિવારે દિવાળીના પર્વ નિમિત્તે બીએસએફે અટારી-વાઘા સરહદ ખાતે પાકિસ્તાની રેન્જરોને મીઠાઇ નહીં આપવાનો નિર્ણય લીધો હતો. તહેવારો અને રાષ્ટ્રીય દિન નિમિત્તે બન્ને દેશોની સેનાઓ વચ્ચે થતી મીઠાઇની આપ-લેની પરંપરા સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવને કારણે સ્થગિત કરી દેવાઇ હતી. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી ખાતે પાકિસ્તાની સેના દ્વારા સતત થઇ રહેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનના વિરોધમાં બીએસએફે આ નિર્ણય લીધો છે.

સરહદના ૧૦૦ ગામોમાં દીવા ન પ્રગટ્યા

રવિવારે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી દિવાળી ઉજવાઈ ત્યારે જમ્મુના સરહદી વિસ્તારોના ૧૦૦ કરતાં વધુ ગામોમાં દિવાળીના દીવા પ્રગટ્યાં નહોતાં. ગામવાસીઓમાં ભય હતો કે, દીવાના પ્રકાશના કારણે તેમના મકાન પાકિસ્તાની મોર્ટારના નિશાન બની શકે છે. આરએસ પુરા અને અરનિયા સેકટરના એક ડઝનથી વધુ ગામ તો ભેંકાર બની ગયાં છે.
પાકિસ્તાન દ્વારા સતત કરાયેલા મોર્ટારમારાને કારણે સ્થાનિક રહેવાસીઓ ઢોરઢાંખર સાથે સુરક્ષિત સ્થળોએ પહોંચી ગયા છે. પરતું કઠુઆ જિલ્લાના પહાડપુરથી અખનૂરના પરગવાલ સુધીના ગામોના લોકો હજુ ત્યાં જ રહે છે. તેમણે જણાવ્યું હતું કે, અમે લાઈટ અને ફટકડાં વિના દિવાળી મનાવી છે.
વડા પ્રધાન ૨૯ ઓક્ટોબરના રોજ દિલ્હીથી ખાસ વિમાન અને MI17 હેલિકોપ્ટર દ્વારા ગૌચર પહોંચ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હતા. વડા પ્રધાન મોદી સૌપ્રથમ ભગવાન બદ્રીનાથના દર્શન કરવા ગયા હતા. વિશેષ પૂજા અર્ચના બાદ વડા પ્રધાન બદ્રીનાથથી આગળ માણમાં હાજર આઇટીબીપી અને સેનાના જવાનો સાથે દિવાળી મનાવી હતી. વડા પ્રધાને સરહદ પર જવાનો સાથે ચા-નાશ્તો પણ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter