દીકરીઓને આગળ વધવા તક આપોઃ રાષ્ટ્રપતિ

Tuesday 17th August 2021 12:14 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના ૭૫મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશ-વિદેશમાં વસતાં ભારતીયોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે આ પર્વ તમામ ભારતીયો માટે અત્યંત આનંદ અને ઉલ્લાસનો દિવસ છે.
આ વખતના સ્વતંત્રતા દિવસનું સવિશેષ મહત્વ છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષે આપણે સૌ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. હાલમાં સંપન્ન થયેલા ટોક્યો ઓલિમ્પિક્સ રમતોત્સવમાં ભારતીય ખેલાડીઓના નોંધપાત્ર દેખાવનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલા ઓલિમ્પિક્સ રમતોત્સવમાં ભારતીય મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. હું તમામ માતા-પિતાને આગ્રહ કરું છું કે તેઓ આ તેજસ્વી દીકરીઓના પરિવારો પરથી પ્રેરણા લઈ પોતાની પુત્રીઓને પણ આગળ વધવાની તક પૂરી પાડે.
લાખો જાણીતા અને ગુમનામ સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાનને પરિણામે આપણું સ્વતંત્રતાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. આ તમામ અમર સેનાનીઓને હું શ્રદ્ધાપૂર્ણ નમન કરું છું. કોરોના મહામારી અંગે નાગરિકોને સાવધ રહેવાનો સંદેશ આપતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વાયરસની તીવ્રતામાં ઘટાડો જરૂર થયો છે, પરંતુ તેનો પ્રભાવ સંપૂર્ણ રીતે નષ્ટ નથી થયો, આથી લોકોએ કોરોનાની માર્ગદર્શિકાનું યોગ્ય પાલન કરવું જરૂરી છે.

ઓલિમ્પિક્સમાં અભૂતપૂર્વ સફળતા
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ ૧૨૧ વર્ષ બાદ ઓલિમ્પિક્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો ઈતિહાસ રચ્યો છે. આપણાં દેશની દીકરીઓએ અનેક અવરોધો પાર કરી રમતના મેદાનમાં સર્વોત્તમ દેખાવ કર્યો છે. શિક્ષણથી લઈને સેના અને પ્રયોગશાળાથી લઈને રમતના મેદાનમાં દેશની દીકરીઓ પોતાનું આગવું સ્થાન હાંસલ કરી રહી છે.

ખેડૂતોનું સશક્તિકરણ
પોતાના સંબોધનમાં ખેડૂતોનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અનેક પડકારો છતાં ગ્રામીણ ક્ષેત્રોમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. કૃષિ માર્કેટિંગમાં હાથ ધરાયેલા અનેક સુધારાઓથી આપણાં ખેડૂતો વધુ આર્થિક સશક્ત બનશે અને તેમને તેમના પાકનું વધુ સારું મૂલ્ય મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter