દુબઇ કાશ્મીરમાં મૂડીરોકાણ કરશે

Wednesday 03rd November 2021 03:49 EDT
 
 

નવી દિલ્‍હી: ભારત સરકાર જમ્‍મુ અને કાશ્‍મીરના મુદ્દે એક પછી એક પગલાં લઇને પાકિસ્તાનને રાજદ્વારીથી માંડીને આર્થિક મોરચે ભીંસમાં લઇ રહી છે. આ વ્યૂહરચનાના જ એક ભાગરૂપે હવે ભારત સરકારે મૈત્રીપૂર્ણ મુસ્‍લિમ દેશો પાસેથી જમ્‍મુ-કાશ્‍મીરમાં જંગી મૂડીરોકાણ આકર્ષવાના પ્રયાસ શરૂ કર્યા છે. અને ભારત સરકારની આ મહેનત રંગ પણ લાવી રહી છે. દુબઇ ઓથોરિટીએ જમ્મુ-કાશ્મીરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે સમજૂતી કરાર કર્યાની ભારત સરકારે જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમ દેશોમાંથી મૂડીરોકાણ આકર્ષવા શરૂ થયેલી આ કવાયત પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનું દિમાગ હોવાનું મનાય છે.
જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદાસ્પદ કલમ-૩૭૦ હટાવાયાના લગભગ બે વર્ષ બાદ દુબઇએ આ રાજ્યમાં મૂડીરોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર અને દુબઈ ઓથોરિટી વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે સમજૂતી કરાર થયા છે.
જે અંતર્ગત દુબઈનું જૂથ કાશ્મીરમાં આઈટી ટાવર, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, લોજિસ્ટિક પાર્ક ઉપરાંત મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરશે. જોકે, હજુ એ મુદ્દે સ્પષ્ટતા નથી થઇ કે દુબઈ દ્વારા કાશ્મીરમાં કુલ કેટલું મૂડીરોકાણ કરાશે. આ કરાર સંદર્ભે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કાશ્મીરના વિકાસ માટે દુનિયા આપણી સાથે આવી રહી છે. આ કરાર દર્શાવે છે કે ભારત ગ્લોબલ પાવર તરીકે ઉભરી રહ્યું છે.
ભારત માને છે કે જો મુસ્‍લિમ દેશો કાશ્‍મીરમાં મૂડીરોકાણ કરશે અને ત્‍યાં વિકાસ થશે તો તે વિશ્વને મોટો સંદેશ આપશે.
દુબઇ કાશ્મીરમાં મૂડીરોકાણ કરશે
એ તો જાણીતું છે કે જમ્‍મુ અને કાશ્‍મીરના મુદ્દે પાકિસ્‍તાન છેલ્લા કેટલાક વર્ષોથી ઇસ્‍લામિક દેશોના સમૂહ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી)નો આશરો લઇ રહ્યું છે. આ સંજોગોમાં ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો પાકિસ્‍તાન માટે જડબાતોડ જવાબ સમાન બની રહેશે.
૫૦થી વધુ દેશોના બનેલું સંગઠન ઓઆઈસી પણ કાશ્‍મીર મુદ્દે એક કરતાં વધુ પ્રસંગોએ વાંધાજનક નિવેદનો આપી ચૂક્યું છે, જેને ભારત રદિયો પણ આપતું રહ્યું છે. ઓઆઈસી દેશોની આડમાં જ પાકિસ્‍તાને છેલ્લા બે વર્ષથી ઘણા ફોરમમાં કાશ્‍મીરનો મુદ્દો ઉઠાવ્‍યો છે. ક્‍યારેક માનવ અધિકારોના નામે તો ક્‍યારેક ત્‍યાંના સ્‍થાનિક લોકોને સમર્થનના નામે. પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને ઉછાળવા માટે કોઇ કસર છોડી નથી. આ સ્‍થિતિમાં જો સમૃદ્ધ મુસ્‍લિમ દેશો કાશ્‍મીરમાં મૂડીરોકાણ કરવાનું શરૂ કરશે, તો પાકિસ્તાનના દાવા - આરોપો - આક્ષેપોનું સૂરસૂરિયું થઇ જશે.
અડધો ડઝન મુસ્લિમ દેશો રોકાણ માટે તૈયાર?
યુએઈ સાથે ભારતના સારા સંબંધો છે, અને વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીના આગમન બાદ આ સંબંધો ખૂબ મજબૂત બન્યા છે. કાશ્‍મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્‍યા બાદ યુએઈ એવા કેટલાક મુસ્‍લિમ દેશોમાં સામેલ હતું, જેણે આ મુદ્દાને ભારતની આંતરિક બાબત ગણાવીને તેના પર ટિપ્‍પણી કરવાનો ઇન્‍કાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્‍યા અનુસાર અનુસાર, યુએઈ એકમાત્ર મુસ્‍લિમ દેશ નથી કે જે જમ્મુ-કાશ્‍મીરમાં મૂડીરોકાણ કરશે. ભારત સરકાર હાલમાં ઈરાન સહિતના ઓછામાં ઓછા અડધો ડઝન મુસ્‍લિમ દેશોના સંપર્કમાં છે, જેઓ કાશ્‍મીરમાં મોટા પાયે મૂડીરોકાણ કરવા તૈયાર છે.
જમ્મુ-કાશ્મીરમાં જંગી વિદેશી મૂડીરોકાણ આવવાથી સ્‍થાનિક લોકો માટે મોટા પાયે રોજગારીનું તો સર્જન થશે જ, સાથોસાથ પાકિસ્‍તાન સમર્થિત આતંકવાદની પણ હાર થશે. કાશ્‍મીરમાં કટ્ટરપંથી તત્‍વોને પ્રોત્‍સાહન આપીને પાકિસ્‍તાન સતત આતંકનું વાતાવરણ સર્જવાનું ષડયંત્ર રચતું રહ્યું છે, પરંતુ મુસ્‍લિમ દેશોના મૂડીરોકાણ બાદ તેને નજરઅંદાજ કરવું સરળ નહીં રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter