દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન

Wednesday 16th February 2022 09:19 EST
 
 

મુંબઈઃ બજાજ મોટર્સના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું પૂણેમાં નિધન થયું છે. ૮૩ વર્ષના બજાજ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેમણે ૧૨ ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા જ લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું હતું. તેમનો જન્મ ૧૦ જૂન, ૧૯૩૮ના રોજ કોલકતામાં મારવાડી ઉદ્યોગપતિ કમલનયન બજાજ અને સાવિત્રી બજાજને ત્યાં થયો હતો. બજાજ અને નેહરુ પરિવારમાં ત્રણ પેઢીઓથી પારિવારિક મિત્રતા હતી. રાહુલના પિતા કમલનયન અને ઈન્દિરા ગાંધીએ એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો.
રાહુલ બજાજે અર્થશાસ્ત્ર અને કાયદામાં ડિગ્રી મેળવી હતી. તેમણે હોવર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું છે. રાહુલ બજાજ ૧૯૬૮માં બજાજ ઓટોમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે જોડાયા હતા. બજાજને ઓટોમોટિવ ઉદ્યોગમાં વૃદ્ધિ કરવામાં રાહુલ બજાજે મહત્વની ભૂમિકા ભજવી છે. ૨૦૦૧માં તેમને ભારત સરકારે પદ્મ ભૂષણથી નવાજ્યા હતા.
રાહુલ બજાજે ૧૯૬૫માં બજાજ ગ્રૂપની જવાબદારી સંભાળી હતી. તેમના નેતૃત્વમાં બજાજ ઓટોનું ટર્નઓવર રૂ. ૭.૨ કરોડથી વધીને ૧૨ હજાર કરોડ સુધી પહોંચી ગયું અને સ્કૂટર વેચનારી દેશની અગ્રણી કંપની બની. ૨૦૦૫માં, રાહુલે કંપનીની કમાન તેમના પુત્ર રાજીવને સોંપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે રાજીવને બજાજ ઓટોના મેનેજિંગ ડાયરેક્ટર બનાવ્યા, જેના પછી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં કંપનીના ઉત્પાદનોની માંગ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વધી ગઈ.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં બજાજ પરિવાર યોગદાન
બજાજ કંપનીના મૂળ સ્વતંત્રતા સંગ્રામથી જામેલા છે. જમનાલાલ બજાજ (૧૮૮૯-૧૯૪૨) તેમના યુગના સફળ ઉદ્યોગપતિ હતા જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના ‘ભામાશાહ’ હતા. ૧૯૨૬માં તેમણે ટ્રેડિંગ કરવા માટે પોતાને દતક લેનાર શેઠ બછરાજના નામની એક બછરાજ એન્ડ કંપનીની સ્થાપના કરી હતી. ૧૯૪૨માં ૫૩ વર્ષની વયે તેમના મૃત્યુ બાદ તેમના જમાઈ રામેશ્વર નેવટિયા અને બે પુત્રો કમલનયન અને રામકૃષ્ણ બજાજે બછરાજ ટ્રેડિંગ કોર્પોરેશનની સ્થાપના કરી.
૧૯૪૮માં, કંપનીએ આયાતી કમ્પોનન્ટ્સથી એસેમ્બલ કરાયેલા ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર લોન્ચ કર્યા. પ્રથમ બજાજ વેસ્પા સ્કૂટર ગુડગાંવના એક ગેરેજ શેડમાં બનાવવામાં આવ્યું હતું. આ પછી બછરાજ ટ્રેડિંગ કોર્પોરેશને કુર્લા ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો, જે પાછળથી આકુર્ડીમાં શિફ્ટ કરવામાં આવ્યો. અહીં બજાજ પરિવારે, ફિરોદિયાઝ સાથે ભાગીદારીમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોના ઉત્પાદન માટે અલગ પ્લાન્ટ સ્થાપ્યા. ૧૯૬૦ માં કંપનીનું નામ બજાજ ઓટો રાખવામાં આવ્યું. રાહુલ બજાજે પોતાની વયનો હવાલો આપીને ગયા વર્ષે જ હોદ્દો છોડવાનો નિર્ણય કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter