દેશના ભાગલા અને હિંસા ઇતિહાસની કરુણાંતિકાઃ ૧૪ ઓગસ્ટ હવે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન

Saturday 21st August 2021 07:10 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૧૪મી ઓગસ્ટને વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવા જાહેરાત કરી હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વિભાજનની પીડા ક્યારેય ભૂલી શકાશે નહીં. આપણા કરોડો ભાઈ-બહેનો વિસ્થાપિત થયાં હતાં અને અવિચારી ધિક્કાર અને હિંસાના કારણે ઘણાએ જીવ ગુમાવ્યા હતાં. આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં આપણે ૧૪મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવીશું.
દેશનું વિભાજન અને ત્યાર પછીની હિંસા ઇતિહાસની કરુણાંતિકા છે આમ કહીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે વિભાજન દરમિયાન ફાટી નીકળેલી હિંસામાંથી પદાર્થપાઠ શીખીને આપણે માનવ સશક્તિકરણ અને ભાઈચારો વધારવા પ્રયાસ કરવા જોઈએ.
તેમણે કહ્યું હતું કે આ દિવસ આપણને સામાજિક વિભાજનો, દુશ્મનાવટના ઝેરને દૂર કરવાની જરૂરતની યાદ અપાવશે. આ દિવસ આપણને એકતાના આત્મા, સામાજિક ભાઈચારા અને માનવ સશક્તિકરણને મજબૂત બનાવવાની યાદ અપાવશે.

બે કરોડ વિસ્થાપિત, ૨૦ લાખનાં મોત
૧૯૪૭માં ભારતના વિભાજન સમયે ૧૦થી ૨૦ લાખ લોકો માર્યા ગયાનો પ્રાથમિક અંદાજ છે. મોટા ભાગની હિંસક ઘટનાઓ પંજાબમાં બની હતી. પૂર્વ પંજાબની મુસ્લિમ વસતી અને પશ્ચિમ પંજાબની હિન્દુ વસતીને વતન છોડીને જવાની ફરજ પડી હતી. આ વિભાજનમાં ઓછામાં ઓછા બે કરોડ લોકો વિસ્થાપિત થયાં હતાં. હિંસક વિભાજન દરમિયાન ઓછામાં ઓછા દોઢ કરોડ લોકોએ સરહદ પાર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter