દેશના ૧.૧૪ કરોડ NRIમાંથી માત્ર ૧૬ હજારની મતદાન નોંધણી

Wednesday 09th November 2016 11:20 EST
 

નવી દિલ્હીઃ ચૂંટણીપંચે એનઆરઆઈને ભારતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુલ ૧.૧૪ કરોડ NRIમાંથી માત્ર ૧૬ હજાર મતદાતા નોંધાયા હતા. ભારતના ચૂંટણીપંચે ઓનલાઈન સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૧૬ હજાર નોનરેસિડેન્ટ ઈન્ડિયન્સે ભારતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે નામ સહિતની વિગતો આપવાનો ઉમળકો દાખવ્યો હતો. ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા પ્રમાણે કુલ ૧.૧૪ કરોડ ભારતીયો વિવિધ દેશોમાં સ્થાયી થયા છે. એ તમામનો સંપર્ક કરીને તેમને ભારતીય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે અપીલ થઈ રહી છે.

આ શરૂઆતના તબક્કામાં જોઈએ એવી આંકડાકીય સફળતા મળી નથી, પરંતુ આગામી સમયમાં વધુને વધુ વિદેશ વસતા ભારતીયોને ભારતની ચૂંટણીઓમાં મતદાન કરાવવા માટે પ્રયાસો કરાશે એવું ચૂંટણીપંચે એક નિવેદનમાં કહ્યું હતું.

વિદેશ વસતા ભારતીયોને સર્વેમાં વોટિંગ મેથડ અંગે તેમનો ઓપિનિયન પણ પૂછવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ હજુ નવેમ્બર-ડિસેમ્બર માસ દરમિયાન ચાલુ રખાશે તેમ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર નઝીમ ઝૈદીએ કહ્યું હતું. ચૂંટણીપંચે મૂળ ભારતીયોને આકર્ષવા માટે સૂત્ર બનાવ્યું હતું કે તમારો મત બુલંદ બનાવો. તમારી દેશ તરફની લાગણી મતદાન કરીને વ્યક્ત કરો અને તમારા સપના અમારી સાથે શેર કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter