નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોમવારે જીડીપીના આંકડા જાહેર કર્યા હતા, જેમાં કોરોના અને લોકડાઉને ઈકોનોમી અને જીડીપીને કોરી ખાધી હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા. કોરોનાની મહામારી તેમજ લોકડાઉનને કારણે ચાલુ નાણાકીય વર્ષના પહેલા, એપ્રિલથી જૂનના પહેલા ત્રિમાસિક ગાળામાં કુલ સ્વદેશી ઉત્પાદન એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીડીપી) ગ્રોથ રેટ માઈનસ ૨૩.૯ ટકા નોંધાયો હતો.
નેશનલ સ્ટોક ઓફિસ દ્વારા લોકડાઉન બાદ કંગાળ થઈ રહેલા ભારતીય અર્થતંત્ર ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જે મુજબ ભારત દ્વારા ઘણા વર્ષોથી જીડીપીના આંકડા જાહેર કરવામાં આવે છે જેમાં ૪૦ વર્ષમાં આ સૌથી મોટામાં મોટો ઘટાડો હતો. અગાઉના જાન્યુઆરીથી માર્ચના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ૩.૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ૨૦૧૯-૨૦ના આ જ ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૫.૨ ટકા હતો.