દેશમાં કોરોનાથી મૃત્યુદર ૩.૩ ટકાની નીચી સપાટીએ

Tuesday 05th May 2020 16:28 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો પાંચમી મેએ ૪૬૭૧૧ નોંધાયો હતો. ૧૩૧૬૧ લોકો બીમારીમાંથી સાજા થયાં છે અને ૧૫૮૩ લોકોનાં દેશમાં આ બીમારીથી મૃત્યુ થયાં છે. જોકે, કોરોનાગ્રસ્ત અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાઇરસના કારણે થઇ રહેલા મોતનો દર ૩.૩ ટકાની નીચી સપાટી પર છે. પ્રતિ એક લાખની વસતીએ ભારતમાં ૦.૦૯ લોકોનાં મોત થઇ રહ્યાં છે. દક્ષિણ કોરિયામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૦,૭૮૦ કેસ નોંધાયા છે અને ૨૫૦નાં મોત થયાં છે. દક્ષિણ કોરિયામાં મોતનો દર ૨.૩ ટકા રહ્યો છે. પ્રતિ એક લાખ વસતીએ દક્ષિણ કોરિયામાં ૦.૪૮ અને ચીનમાં ૦.૩૩ લોકોનાં મોત નોંધાયાં છે.
કેટલાક આતંકનો વાઇરસ ફેલાવે છે: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ‘નામ’ (નોન એલાઈન મુવમેન્ટ) દેશોના વર્ચ્યુઅલ સંમેલનમાં ભાગ લીધો. આ સંમેલન કોરોના વાઇરસથી ઊભા થયેલા વૈશ્વિક જોખમ અંગે યોજાયું. સંમેલનમાં મોદીએ પાકિસ્તાનનો નામોલ્લેખ કર્યા વિના આતંકવાદ મુદ્દે કહ્યું કે કેટલાક લોકો કોરોના મહામારી વચ્ચે પણ આતંકનો જીવલેણ વાઇરસ, ફેક ન્યૂઝ અને ફેક વીડિયો ફેલાવી રહ્યા છે. આપણે આ સંકટની ઘડીમાં આર્થિક વૃદ્ધિ પર નહીં પણ લોકોના કલ્યાણ પર વધુ ધ્યાન આપવું જોઇએ. વડા પ્રધાને એમ પણ જણાવ્યું કે અમે વિશ્વના ૧૨૩ દેશમાં મેડિકલ સપ્લાય સુનિશ્ચિત કરાવ્યો છે. જેમાં ૫૯ ‘નામ’ દેશો પણ સામેલ છે. લોકો સામાન્ય આયુર્વેદિક ઘરેલુ નુસ્ખા અપનાવે તો તેમની રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. ભારતીય નીતિ આયોગના સભ્ય વી કે પોલે રવિવારે એવું જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં દેશમાં કોરોના વાઇરસના કેસ વધતા અટકી જશે. સરકારે ૩ મે પછી લોકડાઉન એટલા માટે લંબાવ્યું છે કે જેથી અગાઉના બે ચરણના લોકડાઉનના લાભ જાળવી શકાય. દેશમાં અત્યારે કોરોનાના કેસમાં ઉછાળો જોવાઇ રહ્યો છે, પરંતુ તે સરકારની કન્ટેઇનમેન્ટ વ્યૂહરચનાનો જ એક ભાગ છે. સરકારનો મુખ્ય લક્ષ્યાંક વાઇરસની ટ્રાન્સમિશન ચેઇન તોડી નાખવાનો છે. જો આપણે લોકડાઉનનો અત્યારે અંત લાવી દઇશું તો આપણે અગાઉ અંકિત કરેલા લાભ ગુમાવી દઇશું. 
તમિલનાડુમાં ૫૭ ટકા દર્દી સાજા થયા, 
દેશની સરેરાશ કરતા બમણાં
ટોપ ૧૦ કોરોના ચેપગ્રસ્ત રાજ્યોમાં તમિલનાડુમાં સૌથી વધુ ૫૭ ટકા દર્દી સાજા થયા છે. જોકે દેશમાં રિકવરી રેટ આશરે ૨૬ ટકા છે. દેશમાં હવે દર ૧૧મા દિવસે કેસ બમણા થઈ રહ્યા છે. આ મામલે તમિલનાડુ બાકી દેશ કરતાં આગળ છે, અહીં દર ૧૯મા દિવસે કેસ બમણા થઈ રહ્યા છે. રિકવરી રેટ પાછળ અહીં દર્દીઓના નિરીક્ષણ માટે બનાવેલી વિશેષ વ્યવસ્થાની મોટી ભૂમિકા રહી છે. ખરેખર અહીં ૨૦ ડોક્ટરની ટીમ દરરોજ દર્દી પર વિશેષ નજર રાખે છે. આ કામ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરાઈ રહ્યું છે.
ભારતીય સેના દ્વારા કોરોના વોરિયર્સને સલામી
કોરોના સામે ઝઝૂમી રહેલા લાખો ડોક્ટર, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મીઓ, સફાઇ કામદારો સહિતના કોરોના વોરિયર્સને રવિવારે ભારતીય સેનાની ત્રણે પાંખ દ્વારા અદ્ભુત અને અવિશ્વસનીય સલામી આપવામાં આવી હતી. ભારતીય વાયુસેના દ્વારા રવિવારે સવારે કાશ્મીરના શ્રીનગરના દાલ સરોવર ઉપરથી ૮:૦૦ કલાકે બે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-૧૩૦ની ઉડાન સાથે સમગ્ર દેશમાં ફ્લાય પાસ્ટનો પ્રારંભ થયો હતો. વાયુસેનાના મિગ-૨૯, સુખોઇ-૩૦, જગુઆર સહિતના યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટરોએ સમગ્ર દેશમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ શહેરોમાં ઉડાન ભરીને હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે સીઆરપીએફનું સાઉથ દિલ્હીમાં સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત મુખ્યાલય પાંચમી મે સુધી સીલ કરી દેવાયું હતું. એક સ્પેશિયલ ડીજીના સહાયક કોરોના પોઝિટિવ આવતાં આ નિર્ણય લેવાયો. સાથે જ ૪૦ અધિકારી અને સ્ટાફર્સને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. મયૂર વિહાર ફેઝ-૩ માં સીઆરપીએફની ૩૧ મી બટાલિયનના ૧૨૨ જવાન પહેલેથી કોરોનાગ્રસ્ત છે. તેમના સહિત ૧૩૭ કર્મી કોરોનાગ્રસ્ત થઇ ચૂક્યા છે. સીઆરપીએફના ૪૮૦ જવાનનાં સેમ્પલ લેવાયાં હતાં, જેમાંથી ૪૫૮ના રિપોર્ટ આવી ચૂક્યા છે, ૨૨ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

સેનાની સલામીઃ વાયુસેનાના મિગ-૨૯, સુખોઇ-૩૦, જગુઆર યુદ્ધવિમાનો અને સારંગ, ચિનુક, ચેતક હેલિકોપ્ટરો દ્વારા સલામી અપાઈ હતી.
આર્મી, એરફોર્સ અને નેવીના બેન્ડઃ ઇસ્ટર્ન અને વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને કોસ્ટગાર્ડના સંખ્યાબંધ યુદ્ધજહાજો જોડાયા
પુષ્પવર્ષાઃ દેશની તમામ એઇમ્સ અને સિવિલ હોસ્પિટલો, તમામ કોવિડ-૧૯ હોસ્પિટલો પર, વિધાનસભાઓ પર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter