દેશમાં કોરોનાની વણથંભી રફ્તાર: કુલ કેસનો આંકડો ૪૩ લાખને પાર

Tuesday 08th September 2020 14:49 EDT
 
 

નવી દિલ્હી: ભારતમાં કોરોનાનું જાળું સતત પ્રસરતું જાય છે. મંગળવારના અહેવાલો પ્રમાણે કોરોનાના કુલ કેસનો આંકડો ૪૩૧૩૧૨૯, કુલ મૃતકાંક ૭૩૧૦૫ અને સાજા થયેલા લોકોનો કુલ આંક ૩૩૫૨૩૧૬ સુધી પહોંચ્યો હતો. આ સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા રાષ્ટ્રમાં બ્રાઝિલને પાછળ મૂકીને બીજા ક્રમે આવી ગયું છે. અમેરિકા આ મામલે વિશ્વમાં પ્રથમ છે. નોંધનીય છે કે સોમવારે સતત બીજા દિવસે કોરોના સંક્રમણના એક દિવસના સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા હતા અને સ્થિતિ વધુ ગંભીર બની હતી. આમ કોરોના દર્દીઓમાં રિકવરી રેટ વધીને ૭૭.૩૧ ટકા પર પહોંચ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર સોમવારે સવારે ૮ કલાકે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના નવા ૯૦,૮૦૨ દર્દી સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૨ લાખને પાર કરીને ૪૨૦૪૬૧૩ ઉપર પહોંચી ગઈ હતી.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં મોતનો દર સતત ઘટી રહ્યો છે. સોમવારે મોતનો દર ૧.૭ ટકા પર આવી ગયો હતો. ચિંતાની વાત એ રહી હતી કે છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૨૦,૨૨૨નો ઉમેરો થતાં દેશમાં હાલ ૮૫૨૫૪૨ દર્દી હોસ્પિટલ અથવા ઘરોમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર રવિવારે દેશમાં ૭૨૦૩૬૨ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં જેમાંથી ૯૦૮૦૨ સેમ્પલ પોઝિટિવ આવતાં પોઝિટિવિટી રેટ વધીને ૧૨.૬ ટકા પર પહોંચી ગયો હતો. અત્યાર સુધી દેશમાં ૪૯૫૫૧૫૦૭થી વધુના સેમ્પલના ટેસ્ટ થઈ ચૂક્યાં છે.

એન્ટિબોડી કોરોના સામે રક્ષણ આપે તેની ગેરંટી નથી: વૈજ્ઞાનિકો

વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, શરીરમાં એન્ટિબોડી હોવાનો અર્થ એ છે કે વ્યક્તિ કોરોના વાઇરસના સંપર્કમાં આવી ચૂકી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે એન્ટિબોડી કોરોના સંક્રમણ સામે રક્ષણ આપશે. હાલ વૈજ્ઞાનિકો તારણ કાઢી રહ્યાં છે. તેમનું કહેવું છે કે એન્ટિબોડી હોવી એટલે તે વ્યક્તિ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂકી છે.

કોવિડ સેન્ટર ૧૫ સપ્ટેમ્બરથી બંધ કરાશે

બેંગલોર એક્ઝિબિશન સેન્ટરમાં તૈયાર કરાયેલું દેશનું સૌથી મોટું કોવિડ સારવાર સેન્ટર ૧૫મી સપ્ટેમ્બરથી બંધ કરાશે. બેંગલુરુ મહાનગર પાલિકાએ જણાવ્યું હતું કે, દર્દીઓ ન મળતાં હોવાના કારણે યેદિયુરપ્પાના નેતૃત્વમાં મળેલી બેઠકમાં ૧૦,૦૦૦થી વધુ બેડ ધરાવતા કોવિડ સેન્ટરને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-૧૯ની એડવાઇઝરીમાં સુધારો કરતાં હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ ઓન-ડિમાન્ડ ટેસ્ટિંગની પરવાનગી આપી છે. જોકે કેન્દ્ર સરકારે આ માટે રાજ્ય સરકારનો ટેસ્ટિંગના મોડેલમાં સુધારાનો અધિકાર આપ્યો છે. એક નિવેદનમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની એડવાઇઝરીમાં ટેસ્ટિંગ ઓન ડિમાન્ડ પર એક આખો વિભાગ ઉમેરાયો છે. અત્યાર સુધી રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ પર જ કોરોનાના ટેસ્ટ થઈ રહ્યાં છે. જોકે આ નિયમના અમલ માટેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.

સાંસદો પાસે કોવિડ-નેગેટિવ પ્રમાણપત્ર હશે તો જ પ્રવેશ

૧૪ સપ્ટેમ્બરથી સંસદના ચોમાસું સત્રનો આરંભ થઈ રહ્યો છે. બહાર પડેલી ગાઈડલાઈન મુજબ સંસદના તમામ સભ્યોને સત્રના આરંભ થતાં સંસદ સંકુલમાં પ્રવેશ કરવા માટે કોવિડ ૧૯ નેગેટિવ પ્રમાણપત્ર પ્રાપ્ત કરી લેવું જરૂરી બની રહેશે. લોકસભા અને રાજ્યસભા મંત્રાલયે આઇસીસએમઆર અને આરોગ્ય મંત્રાલયની ભલામણ મુજબ એક વિગતવાર ગાઈડલાઈન તૈયાર કરીને બહાર પાડી છે. સત્રનો આરંભ થયા પહેલાંના ૭૨ કલાકમાં આ ટેસ્ટ કરાવવો જરૂરી છે.

ડિસઇન્ફેક્શન ટનલ પર પ્રતિબંધ લદાશે

દેશભરમાં વિવિધ સ્થળે કોરોના સંક્રમણથી બચાવ માટે લગાવાતી ડિસઇન્ફેક્શન ટનલ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. તેથી તેનો ઉપયોગ ટૂંક સમયમાં જ બંધ કરી દેવાશે. કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી તથા એમ. આર. શાહની બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકારે કહ્યું કે, આ સંદર્ભે ટૂંક સમયમાં દેશભરમાં જાહેરનામું બહાર પડાશે. સુપ્રીમ સમક્ષ ગુરસિમરન સિંહ નરુલાએ પીઆઇએલ દાખલ કરીને ડિસઇન્ફેક્શન ટનલ પ્રતિબંધિત કરવા માગ કરી હતી.

બેંગ્લોરની ૨૭ વર્ષીય મહિલા એક જ મહિનામાં બીજી વાર કોરોનાથી સંક્રમિત

ભારતમાં કોરોના મહરામારી વચ્ચે ચોંકાવનારા કેસ સામે આવે છે. સરકાર દર્દીઓમાં રિકવરી રેટ સતત વધી રહ્યો હોવાના દાવા કરે છે, પરંતુ હવે સારવાર બાદ ફરી સંક્રમિત થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલી ૨૭ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ફોર્ટિસ હોસ્પિટલના જણાવ્યા અનુસાર જુલાઇ મહિનામાં આ મહિલા પહેલીવાર કોરોનાથી સંક્રમિત થઇ હતી. તેને સારવાર અપાયા બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાઇ હતી. જોકે એક જ મહિનામાં તેનામાં ફરી કોરોનાના લક્ષણ જોવા મળતાં ફરી ટેસ્ટ કરાયો જે પોઝિટિવ આવ્યો હતો.

વિશ્વમાં સ્વસ્થ થયેલા કોરોનાના દર્દીમાં ફરી સંક્રમણની પહેલી ઘટના ૨૪મી ઓગસ્ટે હોંગકોંગમાં નોંધાઇ હતી. આ પછી તેલંગણાના આરોગ્ય પ્રધાન ઇ. રાજેન્દરે અગાઉ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાથી ફરી સંક્રમિત થયાના બે કેસ સામે આવ્યાં છે. બે દિવસ પહેલાં મુંબઇમાં કોરોના સંક્રમણમાંથી બે મહિના પહેલાં રિકવર થયેલા એક ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

રસી તૈયાર કરી રહેલા વૈજ્ઞાનિકો ચિંતામાં

વિશ્વના સંખ્યાબંધ દેશોમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓ ફરીથી સંક્રમિત થઇ રહ્યાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમેરિકા, હોંગકોંગ, નેધરલેન્ડ, બેલ્જિયમ જેવા દેશોમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને ફરી કોરોના વાઇરસનો ચેપ લાગ્યાની ઘટનાઓ નોંધાઇ છે. જેના પગલે કોરોનાની રસી તૈયાર કરી રહેલા વૈજ્ઞાનિકો ચિંતામાં પડયાં છે. તેમને ભય છે કે કોરોના વાઇરસના અલગ અલગ પ્રકાર સામે તેમના દ્વારા વિકસાવાયેલી રસી સફળ થશે કે કેમ?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter