નવીદિલ્હીઃ દેશમાં અસહિષ્ણુતા પર છેડાયેલી ચર્ચા સોમવારે સંસદમાં પહોંચી હતી. બંને ગૃહોમાં આખો દિવસ સત્તાધારી અને વિપક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો મારો ચાલુ રહ્યો હતો. આ ચર્ચામાં સત્તા પર આવ્યા પછી પહેલીવાર ભાજપ સરકારે દેશમાં થોડી અસહિષ્ણુતા પ્રવર્તતી હોવાની કબૂલાત કરી હતી. રાજ્યસભામાં કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી વેંકૈયા નાયડુએ સ્વીકાર્યું હતું કે સમાજમાં થોડી ઘણી અસહિષ્ણુતા છે અને તેની ઓળખ કરવાની જરૂર છે. દરેક ઘટનાને અસહિષ્ણુતા સાથે સાંકળવાને બદલે તેની સામે આકરી કાર્યવાહી કરવાની જરૂર છે. નાયડુએ ચર્ચામાં કોઇપણ ઘટનાનો ઉલ્લેખ કર્યાં વિના કહ્યું હતું કે મીઠું મરચું ભભરાવીને નિવેદનો આપતા લોકોની ટીકા કરી તેમનો બહિષ્કાર કરવો જોઇએ. આ પ્રકારની ઘટનાઓ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યાં ત્યાર પછી શરૂ થઇ નથી. આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બનતી હતી.
હિંદુઓ સૌથી સહિષ્ણુ લોકો છે : મેહબૂબા મુફ્તી
અસહિષ્ણુતા મુદ્દે ચાલી રહેલી ચર્ચા મધ્યે પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ અસહિષ્ણુતાનો વિરોધ કરનારાને પાકિસ્તાન જવાની શિખામણ આપનારા પર આકરા પ્રહાર કર્યા હતા. તાજેતરમાં લોકસભામાં બોલતાં મેહબૂબાએ જણાવ્યું હતું કે, આ દેશ અમારો છે અને અમે દેશના છીએ. ભારતમાં મહદ્દઅંશે સહિષ્ણુતા પ્રવર્તે છે. પાકિસ્તાન અને સીરિયામાં મુસ્લિમોની હત્યા કરાય છે છતાં ત્યાં કોઇ અવાજ ઉઠાવતું નથી. જે લોકો મુસ્લિમોને પાકિસ્તાન ચાલ્યા જવા કહે છે તેમને હું જણાવવા માગું છું કે આ દેશ અમારો છે. જો કોઇને આ દેશમાં ભય લાગી રહ્યો છે તેનો અર્થ એ નથી કે તેણે દેશ છોડીને ચાલ્યા જવું જોઇએ. ભારતીય મુસ્લિમો સાચી રીતે ઇસ્લામનું પાલન કરી શકે છે કારણ કે ભારતીય હિંદુ ઘણા સહિષ્ણુ છે. હિંદુ જેટલાં સહિષ્ણુ બીજા કોઈ નથી.

