નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો વધતો જાય છે. ૨૮મી જુલાઈના અહેવાલો અનુસાર ૧૪૯૩૯૦૪, મૃતકાંક ૩૩૫૩૭ અને રિકવર થનારાની સંખ્યા ૯૫૭૦૪૪ નોંધાઈ હતી. આ બધા વચ્ચે પ્રથમ વખત રવિવારે સામાન્ય દિવસોથી વધુ કોરોના ટેસ્ટ થયા હતા. રવિવારે દેશની ૧૩૦૦ લેબમાં ૫.૧૫ લાખ ટેસ્ટ થયા હતા જે શનિવારથી ૭૫ હજાર વધુ હતા. ટેસ્ટ વધ્યા પછી કેન્દ્રીય અધિકારીઓએ જણાવ્યું કે, આગામી દિવસોમાં શક્ય છે કે દર્દીઓ ૧૦-૧૨ હજાર વધુ મળે. અત્યાર સુધી ત્રણ દિવસથી રોજ ૫૦ હજાર દર્દી મળી રહ્યા છે. આ બધા વચ્ચે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, દરરોજની ટેસ્ટ ક્ષમતા ૧૦ લાખ સુધી લઈ જવાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, ઓગસ્ટના અંત સુધી રોજ ૧૦ લાખ ટેસ્ટ થવા લાગશે.
ઐશ્વર્યા-આરાધ્યાને હોસ્પિટલમાંથી રજા
ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં નાણાવટી હોસ્પિટલમાંથી બંનેને રજા અપાઇ ગઈ છે જ્યારે ૧૭ દિવસ પછી પણ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પુત્ર અભિષેક સારવાર હેઠળ છે. ઔશ્વર્યા અને આરાધ્યાને સોમવારે રાજા અપાઇ હતી. અભિષેક બચ્ચને ટ્વિટ કરીને ખુશખબર આપી હતી કે પત્ની ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યાને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
બેંગ્લુરુમાં ૩૦૦૦ કરતાં વધુ કોરોના સંક્રમિતો લાપતા
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આશરે ૩૩૩૮ કોરોના સંક્રમિતો લાપતા થતાં ભય ફેલાયો છે. બૃહદ બેંગ્લુરુમાં મહાનગરપાલિકાના કમિશનર એન મંજુનાથ પ્રસાદે જણાવ્યું કે, અમે ઘણા પ્રયાસ કર્યાં છતાં લાપતા સંક્રમિતોને શોધી શક્યાં નથી. અમે પોલીસની મદદથી કેટલાક પોઝિટિવ દર્દીઓને શોધી કાઢયા છે તેમ છતાં હજુ ૩,૩૩૮ કોરોના દર્દીઓ લાપતા છે. તેમાંના કેટલાકે સેમ્પલ આપતા સમયે ખોટા મોબાઇલ ફોન નંબર આપ્યા છે તો કેટલાકે ખોટાં સરનામાં નોંધાવ્યાં છે. કોરોના ટેસ્ટના પોઝિટિવ રિઝલ્ટ આવ્યા પછી તેઓ લાપતા થઇ ગયા છે.
કોરોનાના કારણે અમરનાથયાત્રા રદ
અમરનાથ શ્રાઇન બોર્ડે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે બોર્ડે વ્યથિત હૃદય સાથે અમરનાથયાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડ લાખો શ્રદ્ધાળુઓની લાગણીથી પરિચિત છે. તેથી સવાર અને સાંજની આરતીનું લાઇવ પ્રસારણ કરાશે. પરંપરા પ્રમાણે તમામ વિધિઓ પણ થશે.
અનલોક–૩.૦: થિયેટર, જિમ ખોલવાની તૈયારી
કોરોના વાઈરસના કેર પછી જાહેર કરાયેલું અનલોક-૨.૦ ૩૧મી જુલાઈએ પૂરું થઈ રહ્યું છે. અઠકળો લગાવાઈ રહી છે કે કેન્દ્ર સરકાર ઓગસ્ટથી અનલોક–૩.૦ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને અનલોક–૩.૦માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હોલ અને જિમ ખોલવાની મંજૂરી મળી શકે છે. મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ પણ કબૂલ્યું હતું કે, થિયેટરો ખોલવા અમે ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલી દીધો છે. સિનેમા હોલ માલિકો ૫૦ ટકા ટિકિટ વેચાણ કરીને થિયેટરો શરૂ કરવા તૈયાર છે, પરંતુ સરકાર ફક્ત ૨૫ ટકા ટિકિટ વેચાણ સાથે મંજૂરી આપવા માગે છે. જોકે, દેશના અનેક સિનેમા હોલ માલિકો ૨૫ ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવા તૈયાર નથી.
અત્યાધુનિક સ્માર્ટ હેલ્મેટ
મુંબઈમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. તંત્રએ પણ હાઈટેક પદ્ધતિથી કોરોનાનું બને તેટલું ઝડપી સ્ક્રિનિંગ કરવા માટે અત્યાધુનિક સ્માર્ટ હેલ્મેટની મદદ લેવાનું શરૂ કર્યું છે. સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જોવા મળતી હેલ્મેટ જેવી આ પોર્ટેબલ થર્મોસ્કેનર સાથેની સ્માર્ટ હેલ્મેટની મદદથી અઢી કલાકમાં છ હજારથી વધુ નાગરિકોનું સ્ક્રિનિંગ થઈ શકે છે. હેલ્મેટ પહેરનાર સામે ઊભેલી વ્યક્તિને જોઈને તેના તાપમાનને માપી શકશે. સ્માર્ટ હેલ્મેટની કિંમત ભારતીય રૂપિયામાં આશરે છ લાખથી વધુ થવા જાય છે અને જેના કારણે જૂજ સંખ્યામાં આવી હેલ્મેટ તંત્રને ડોનેટ કરાઈ છે. આ હેલ્મેટનો ઉપયોગ મુંબઈ-પૂણેમાં થઈ રહ્યો છે. અગાઉ ઈટલી, યુએઈ તેમજ ચીન જેવા દેશોમાં થઈ ચૂક્યો છે અને હાલ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ભારે ડિમાન્ડ છે.