નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને છઠ્ઠી ફેબ્રુઆરીએ લોકસભામાં એવી માહિતી આપી હતી કે, દેશમાં ૫૦ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીથી પીડાતા નાગરિકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ માર્ચ મહિનામાં શરૂ થઈ શકે છે. તેમણે આ અંગે વિસ્તારપૂર્વક જણાવતાં કહ્યું હતું કે, દેશમાં ૫૦ લાખ કરતાં વધુ આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઇન વર્કસને કોરોનાની રસી અપાઈ ચૂકી છે.
આગામી દિવસોમાં ૫૦ વર્ષથી વધુ વયના અને ગંભીર માંદગીથી પીડાતા ૫૦ વર્ષથી ઓછી વયના આશરે ૨૭ કરોડ નાગરિકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરવામાં આવશે. એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સજ્જ પણ છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારના આંકડા અનુસાર ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૧૦૮૫૪૩૫૩, કુલ મૃતકાંક ૧૫૫૨૩૪ અને કોરોનામાંથી રિકવર થયેલા નાગરિકોનો કુલ આંક ૧૦૫૫૫૧૭૮ થયો હતો.

