બેઈજિંગઃ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ દોકલામ મુદ્દે ફરીથી ઉગ્ર નિવેદન આપ્યું છે. ચીને કહ્યું કે દોકલામ સાથે ચીનનો ઈતિહાસ જોડાયેલો છે અને એ ચીનનો હિસ્સો હોવાથી ત્યાં ચીન ધારે તે કરી શકશે. ચીન સ્થિત ભારતીય રાજદૂત ગૌતમ બંબાવાલાને એક ચીની અખબારના ઈન્ટરવ્યૂમાં પૂછાયું હતું કે દોકલામમાં ચીન રોડ બનાવવા જઈ રહ્યું છે તે મુદ્દે તમારો શું મત છે? જવાબમાં બંબાવાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો ચીન દોકલામમાં રોડ બનાવવાની તૈયારી કરતું હોય તો એ બાબતે ભારતને જાણ કરે. જો અમે (ભારત) એ માટે સહમત ન હોય તો ચીન એ કામ કરી શકે નહીં. દોકલામ બહુ સંવેદનશીલ વિસ્તાર છે અને એમાં જે સ્થિતિ છે તેમાં ચીન કોઈ જ ફેરફાર ન કરે. બંબાવાલાના આ નિવેદન અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગને પૂછાતાં તેણે ભારતને વણમાગી સલાહ આપીને આડોડાઈ છતી કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે દોકલામ ચીનનો હિસ્સો છે. આથી અમે ત્યાં ગમેતે કરી શકીએ.