નવી દિલ્હી: હિમાચલ પ્રદેશ રાજ્યને કેબિનેટે બીજી ફેબ્રુઆરીએ ધૌલાધાર પર્વતમાળામાં આવેલા બરફ આચ્છાદિત ધરમશાલાને રાજ્યની બીજી રાજધાની તરીકેના દરજ્જાને મંજૂરીની મહોર મારી છે. ૧૯ જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશમાં મુખ્ય પ્રધાન વિરભદ્ર સિંઘે જાહેરાત કરી હતી કે ધરમશાલાને શિયાળાની રાજધાની બનાવવાની દરખાસ્ત પર રાજ્યસરકાર સક્રિયપણે વિચારણા કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે હિમાચલ પ્રદેશમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ જાહેરાત અગત્યની મનાય છે. કારણ કે ૬૮માંથી ૨૫ બેઠકો કાંગરા, ઉના અને હમીરપુર જિલ્લામાં આવે છે અને કાંગરા, ચંબા, હમીરપુર અને ઉના જિલ્લા જેવા નીચાણવાળા વિસ્તારો માટે ધરમશાલા મહત્ત્વનું સ્થાન ધરાવે છે.