ધર્માંતરણ વગર લોકોની સેવા ન થઈ શકે?:

Tuesday 24th March 2015 08:17 EDT
 

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે દેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે સરકારે લીધેલા પગલા વિષે જણાવતા ધર્માંતરણ સામે આંગળી ચીંધી હતી. તેમણે ધર્માંતરણ વિરુદ્ધ કાયદાની જરૂરીયાત પર ચર્ચાને આવશ્યક ગણાવી હતી. તેમણે ધર્માંતરણનો વિરોધ કરતાં સવાલ કર્યો કે, ‘ધર્માંતરણ કરાવ્યા વગર લોકોની સેવા કેમ ન થઈ શકે? ઘરવાપસી અને ધર્માંતરણ અંગે ક્યારેક-ક્યારેક અફવા ફેલાય છે અને વિવાદ થાય છે. કોઈ પણ પ્રકારનું ધર્માંતરણ થવું જ કેમ જોઈએ?’ તેમનું આ નિવેદનને સંઘના વડા મોહન ભાગવતનાં એ નિવેદનનું સમર્થન કરી રહ્યું છે, જેમાં તેમણે મધર ટેરેસા દ્વારા ગરીબો માટે કરવામાં આવેલાં સેવાકાર્યોનો ઉદ્દેશ્ય ધર્માંતરણ ગણાવ્યો હતો.

દિલ્હીના પ્રધાન સવારે પત્નીને પગે લાગે છેઃ દિલ્હીના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન સંદીપકુમાર રોજ સવારે ઊઠીને તેમનાં પત્નીનાં ચરણસ્પર્શ કર્યા બાદ જ દિવસની શરૂઆત કરે છે. આમ આદમી પાર્ટીના બહુ ઓછા જાણીતા ૩૪ વર્ષના સંદીપકુમારે ૮ માર્ચે મહિલા દિન પર આયોજિત સમારંભમાં આ ખુલાસો કર્યો હતો. સંદીપકુમારે કહ્યું હતું કે, ‘મારાં માતા-પિતા મને આ જગતમાં લાવ્યાં. તેમણે મને ઉછેર્યો અને ભણાવ્યો હોવાથી હું તેમના ચરણસ્પર્શ કરું છું. જ્યારે મારી પત્ની ઋતુ હંમેશા સુખ-દુઃખમાં મને સાથ આપે છે અને હું તેનું સન્માન કરું છું. તેણે મારા માટે આપેલા બલિદાન બદલ હું તેનો આભારી હોવાથી હું તેના ચરણસ્પર્શ કરું છું. તે ઘણી વખત આશીર્વાદમાં કહે છે કે ખૂબ પ્રગતિ કરો. ઘણી વખત મારા મિત્રો પણ પૂછે છે કે સદા સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ મને મળે છે કે નહીં.’

મુસ્લિમો સૂર્યનમસ્કાર અને ગીતાભ્યાસ ન કરે: મુસ્લિમોની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું બે દિવસીય અધિવેશન જયપુરમાં યોજાઇ ગયું. આ ૨૪મા અધિવેશનમાં સરકારી શાળાઓમાં સૂર્યનમસ્કાર અને ગીતાનો અભ્યાસ ફરજિયાત બનાવવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો છે. બોર્ડે આ મામલે અદાલતી હસ્તક્ષેપની માગના સંકેત પણ આપ્યા છે. બોર્ડના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે મુસ્લિમ બાળકોએ શાળામાં સૂર્યનમસ્કાર કરવાનો ઇનકાર કરવો જોઇએ. બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના રાબે હસની નદવીએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાયને હવે ધાર્મિક સ્વતંત્રતાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

…..તો હિન્દુઓનું શું થશે? દ્વારકા શારદાપીઠના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ૨૧ માર્ચના રોજ વારાણસીમાં હતા. જ્યાં તેમણે કેદારઘાટ પર વિદ્યામઠનાં સનાતની પંચાગનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, જે લોકો ગૌમાંસ ખાય છે તેવા મુસ્લિમો પોતાની જાતને હિન્દુ ગણાવે છે તો પછી હિન્દુઓની ઓળખ શું રહેશે? કેટલાંક લોકો મુસલમાનોને હિન્દુ જાહેર કરવા માગે છે, જો આવું થશે તો પછી હિન્દુઓની અલગ ઓળખનો અંત આવશે. જો ગૌમાંસ ખાનારા મુસ્લિમોને હિન્દુ ધર્મમાં સમાવાશે તો જેમને હિન્દુ ધર્મમાં કોઈ શ્રદ્ધા નથી તેવાને હિન્દુ ગણાવ્યા પછી હિન્દુઓની ઓળખ શું રહેશે.

બિહારમાં પરીક્ષામાં ચોરીની ચરમસીમાઃ બિહારમાં ગત સપ્તાહે યોજાયેલી ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં ઠેરઠેર ખુલ્લેઆમ ચોરીના અનેક મામલા સામે આવ્યા હતા. અંતે તંત્ર હરકતમાં આવ્યું અને સમગ્ર બિહારમાં નકલ વિરોધી અભિયાનમાં અત્યાર સુધી આશરે ૯૨૫થી વધારે લોકોની ધરપકડ કરી છે. સાથે રૂ. ૧૩ લાખનો દંડ પણ કર્યો છે. રાજ્યભરમાંથી ૨૧૩ વિદ્યાર્થી તેમ જ ૭૧૨ વાલીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ ખુદ મુખ્ય પ્રધાન નીતિશકુમારે પણ સ્વીકાર્યું છે કે મેટ્રિકની પરીક્ષાઓમાં આચરવામાં આવી રહેલી ચોરીના કારણે સમગ્ર રાજ્યની છબી ખરડાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter