નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે વર્ષ 2026 માટેના 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી સહિત કુલ 131 પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરી છે. કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદન તથા પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું મરણોત્તર બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી બહુમાન કરાશે. ધર્મેન્દ્ર અને અચ્યુતાનંદન ઉપરાંત જાહેર બાબતો માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે.ટી. થોમસ, કળાક્ષેત્રે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર તથા વાયોલિનવાદક એન. રાજમ્, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રખ્યાત મલયાલમ પત્રકાર પી. નારાયણનને પણ પદ્મવિભૂષણથી નવાજવામાં આવશે.
પદ્મભૂષણ પુરસ્કાર વિજેતામાં પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિક, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભગતસિંહ કોશિયારી, દક્ષિણ ભારતના અભિનેતા મામૂટી, ટેનિસ લિજેન્ડ વિજય અમૃતરાજ, બેન્કર ઉદય કોટક, તામિલનાડુ સ્થિત ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ કલ્લીપટ્ટી આર. પલાનીસ્વામી, યુએસ સ્થિત ઓન્કોલોજિસ્ટ નોરી દત્તાત્રેયડુ, સામાજિક કાર્યકર એસ.કે.એમ. મૈલાનંદન, અવધાનમ ભજન કલાકાર શતાવધાની આર. ગણેશનો સમાવેશ થાય છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.કે. મલ્હોત્રા, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના સ્થાપક તથા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન અને એડગુરુ પીયૂષ પાંડેને મરણોત્તર પુરસ્કાર માટે પસંદ કરાયા છે.
ઓપરેશન સિંદૂરમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર આકાશ મિસાઈલ સિસ્ટમના ડેવલપમેન્ટથી લઇ તૈનાતી સુધીની કામગીરી કરનારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીના એરોસ્પેસ વૈજ્ઞાનિક ચંદ્રમૌલી ગદ્દામનુગુ અને ઈસરોના પ્રખ્યાત વૈજ્ઞાનિક એ.ઈ. મુથુનાયગમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. કુખ્યાત ચંદનચોર વીરપ્પનને મોતને ઘાટ ઉતારનારા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના ભૂતપૂર્વ ડીજી રામમૂર્તિ શ્રીધર અને ભારતની પ્રથમ લાઈસન્સપ્રાપ્ત ખાનગી સંરક્ષણ કંપનીના સ્થાપક સત્યનારાયણ નુવાલેનું પદ્મશ્રીથી સન્માન થશે.
સ્પોર્ટસ ક્ષેત્રમાં ક્રિકેટર રોહિત શર્મા, ભારતને પ્રથમ વન-ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ જીતાડનાર મહિલા ક્રિકેટ કેપ્ટન હરમનપ્રીત કૌર, હોકી ખેલાડીઓ સવિતા પુનિયા અને બલદેવ સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે.
અભિનેતા આર. માધવન્, પ્રોસેનજીત ચેટર્જી, ગુજરાતી નાટકોના જાણીતા અભિનેતા અને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ના પાત્રથી ઘરેઘરે જાણીતા બનેલા અરવિંદ વૈદ્ય અને અનિલ કુમાર રસ્તોગી, કે. બાબુ રાજેન્દ્ર પ્રસાદને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવશે.
આ ઉપરાંત ભૂતપૂર્વ ગૃહ મંત્રાલયના અંડર સેક્રેટરી આર.વી.એસ. મણિ, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર એમ. જગદીશ કુમાર અને પ્રસાર ભારતીના ભૂતપૂર્વ સીઈઓ શશી શેખર વેમ્પતી, અયોધ્યા અને સારનાથમાં ઉત્ખનનનું નેતૃત્વ કરનાર પુરાતત્વવિદ્ બુધ કૃષ્ણ મણિનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરાશે. ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આજે જાહેર કરાયેલા પદ્મ પુરસ્કારોના વિજેતાઓને હાર્દિક અભિનંદન. તેઓ સામાજિક પરિવર્તનના પ્રણેતા છે.
સવાયા ગુજરાતી ડો. પ્રતીક શર્માને પદ્મશ્રી
વડોદરાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા ડો. પ્રતીક શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે. સવાયા ગુજરાતી એવા ડો. પ્રતીક શર્માએ વડોદરાની રોઝરી સ્કૂલમાં અભ્યાસ કરેલો છે. બાદમાં 1992માં તેમણે વડોદરાની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું હતું.
પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓ
• ધર્મેન્દ્ર સિંહ દેઓલ (મરણોત્તર) - કળા
• કેટી થોમસ - જાહેર બાબતો
• એન. રાજમ્ - કલા
• પી. નારાયણન્ - સાહિત્ય અને શિક્ષણ
• વી.એસ. અચ્યુતાનંદન્ (મરણોત્તર) - જાહેર બાબતો
પદ્મ ભૂષણ પુરસ્કાર
• ઉદય કોટક - વેપાર અને ઉદ્યોગ
• અલકા યાજ્ઞિક - કલા
• ભગતસિંહ કોશિયારી - જાહેર બાબતો
• કલ્લીપટ્ટી રામાસામી પલાનીસ્વામી - દવા
• મામૂટી - કલા
• ડો. નોરી દત્તાત્રેયડુ - દવા
• વેલ્લાપલ્લી નટેસન - જાહેર બાબતો
• વિજય અમૃતરાજ - સ્પોર્ટસ
• એસ.કે.એમ. મૈલાનંદન - સામાજિક કાર્ય
• શતાવધની આર. ગણેશ - કલા
• શિબુ સોરેન (મરણોત્તર) - જાહેર બાબતો
• પીયૂષ પાંડે (મરણોત્તર)- કલા
• વી.કે. મલ્હોત્રા (મરણોત્તર) - જાહેર બાબતો


