લખનઉ: નવું અયોધ્યા ધાર્મિક અને આધ્યાત્મિક ઓળખ સાથે આધુનિક અને સ્માર્ટ બની રહ્યું છે. તે માત્ર સોલર સિટી તરીકે નથી વિકસી રહ્યું, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટીનું સપનું સાકાર કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. પૌરાણિક મંદિરો અને કુંડોનો પુનરોદ્ધાર થઈ રહ્યો છે, રસ્તા પહોળા થઈ રહ્યા છે, ફ્લાયઓવર અને આંતરરાષ્ટ્રીય હવાઈમથક બદલાતા અયોધ્યાની ઓળખ બની રહ્યાં છે. એક સમયે જ્યાં સારી કહી શકાય તેવી હોટેલ પણ નહોતી ત્યાં ફાઇવ સ્ટાર હોટેલ આવી રહી છે.
અયોધ્યા પરંપરા અને આધુનિકતાના તાલમેળનું સાક્ષી બની રહ્યું છે. સ્માર્ટ સિટી, સેફ સિટી, સોલર સિટી, ગ્રીન ફિલ્ડ ટાઉનશિપ જેવી તમામ યોજનાઓ આકાર લઈ રહી છે. વિઝન 2047 હેઠળ 31 હજાર કરોડ રૂપિયાનાં વિકાસકાર્યો થવાનાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સુધી બધાની સીધી દેખરેખ રખાઈ રહી છે.
વિકાસકાર્યોની હારમાળા
અયોધ્યામાં 4,403 કરોડ રૂપિયાના ખર્ચે 147 કિમી લાંબો રામવનગમન પથ બની રહ્યો છે, તો 84 કોસના પરિક્રમા પથનું કાર્ય પણ ઝડપભેર ચાલી રહ્યું છે. 1,4,07 એકરમાં ગ્રીન ફિલ્ડ ટાઉનશિપ વિકસાવાઈ રહી છે, જે રોકાણકારો અને નવા અયોધ્યામાં વસવાટ કરવા ઇચ્છુક લોકોને આકર્ષી રહી છે. આ ટાઉનશિપ પાછળ 2,182 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની યોજના છે.
રૂ. 85 હજાર કરોડનાં વિકાસકાર્યનું લક્ષ્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુરૂપ અયોધ્યાને વિશ્વની સર્વોત્તમ નગરી તરીકે વિકસાવાઈ રહી છે. પાવનનગરી અયોધ્યા ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહેલું કે, અયોધ્યામાં વિકાસનો નવો કીર્તિમાન સ્થાપિત થશે. લગભગ 31 હજાર કરોડની પરિયોજનાઓ પર ઝડપભેર કામ ચાલી રહ્યા છે. નવી મહાયોજના અંતર્ગત અયોધ્યામાં 10 વર્ષમાં 85 હજાર કરોડ રૂપિયાનાં કામો થઈ શકશે.
ઘરેબેઠાં માહિતી મળી રહે તેવું મેપિંગ
અયોધ્યાના ડીએમ નીતીશકુમારે જણાવ્યું કે, વિકાસકાર્ય નક્કી કરેલી સમયમર્યાદામાં પૂરા થશે. આ દેશની પહેલી સોલર સિટી હશે. તકનીકના ઉપયોગથી દરેક સ્થળનું મેપિંગ કરાઈ રહ્યું છે. શ્રદ્ધાળુ અને પર્યટકો ઘરે બેઠા આંગળીના ટેરવે રસ્તા, ભવનો અને સ્થળોની માહિતી મેળવી શકશે. પર્યટક વધ્યા છે તો વેપાર અને રોજગાર વધી રહ્યા છે. સ્વચ્છ અને સુંદર, સમૃદ્ધ અયોધ્યા બનાવવાનો સંકલ્પ પૂરો કરવાનો પ્રયાસ છે. હાઈસ્પીડ ટ્રેનોના સંચાલન અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડ્ડયનો શરૂ થયાં છે, તેનાથી અયોધ્યાની અર્થવ્યવસ્થા ઝડપથી વધશે.


