ધાર્યું એનસીબીનું થાય... પહેલાં ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને બદનામ કર્યો, હવે ક્લીનચીટ આપી!

Wednesday 01st June 2022 08:27 EDT
 
 

મુંબઈઃ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કાર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા શાહરુખ ખાનનાં પુત્ર આર્યન ખાન સહિત પાંચ વ્યક્તિને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. એનસીબીએ શુક્રવારે આ મામલે 6000 પાનાની ચાર્જશીટ વિશેષ એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ અંતર્ગત રચાયેલી) કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં આરોપી તરીકે રજૂ કરાયેલા આર્યન ખાનને નિર્દોષ જાહેર કરાયો છે. ઘટના વખતે તેની પાસે કોઇ ડ્રગ્સ ન હોવાનું કે તેની વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાનું પણ ચાર્જશીટમાં જણાવાયું છે.

અગાઉ આર્યન સહિત 19 સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાઇ હતી, જેમાંથી હવે આર્યન સહિત પાંચને નિર્દોષ છોડવામાં આવતા 14 આરોપી સામે કેસ ચલાવાશે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે શાહરુખ ખાનનાં પુત્ર આર્યન ખાનને સંડોવતા ડ્રગ્સ કેસમાં તપાસમાં બેદરકારી દાખવવા બદલ તેમજ જાતિનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરીને નોકરી મેળવવા બદલ એનસીબીના તત્કાલીન અધિકારી સમીર વાનખેડે સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આર્યન સહિત પાંચનો નિર્દોષ છુટકારો
એનસીબીએ શુક્રવારે ખાસ કોર્ટમાં રજૂ કરેલા આરોપનામાના આધારે જે આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે તેમાં આર્યન ખાન ઉપરાંત એવિન શાહુ, ગોપાલ જી. આનંદો, સમીર સાઈધાન, ભાસ્કર અરોરા અને માનવ સિંધલીના નામનો સમાવેશ થાય છે.

આર્યનની નિર્દોષ મુક્તિના પાંચ કારણો
એનસીબી ટીમે ક્રુઝ પર દરોડો પાડીને જે શકમંદોને અટકાયતમાં લીધા હતા તેમની મેડિકલ તપાસ કરવામાં આવી ન હતી, કે જેના આધારે તેમની સામે દાવો કરી શકાય કે તેમણે ડ્રગ્સનું સેવન કર્યું છે. ઘટના વખતે આર્યન ખાનના કબજામાંથી કોઇ ડ્રગ્સ મળી આવ્યું ન હતું. એટલું જ નહીં, સર્ચ ઓપરેશન સમયે વીડિયોગ્રાફી પણ કરવામાં આવી નહોતી. આર્યન ખાનનો ફોન ખોટી રીતે જપ્ત કરાયો હતો. આર્યન ખાને કરેલું ચેટિંગ કેસને લગતું નહોતું. એક સાક્ષી સરકારી ગવાહ બન્યો તો અને ‘સીટ’ને જણાવ્યું હતું કે તેને કોરા પેપર્સ પર સહી કરવાની ફરજ પડી હતી. બે સાક્ષીઓએ કહ્યું હતું કે તેઓ ઘટનાસ્થળ પર હાજર ન હતા. આમ એક કરતાં વધુ કારણસર આર્યન તથા અન્ય પાંચને નિર્દોષ જાહેર કરાયા છે.

જોકે અરબાજ - મુનમુન સામે કેસ ચાલશે
આ બહુચર્ચિત કેસમાં આર્યન ખાનના મિત્ર અને ક્રુઝમાંથી ઝડપાયેલા અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત 14 સામે કેસ ચલાવાશે. દરોડા સમયે અરબાઝ તેમજ અન્યોના કબજામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‘સીટ’)ની ફરિયાદના આધારે 14 વ્યકિઓ સામે એનડીપીએસ એક્ટની કલમો મુજબ કેસ કરાયો છે.

સમીર વાનખેડેની બોલતી બંધ
ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને અપાયેલી ક્લિન ચીટ વિશે પૂછાતાં એનસીબીના તત્કાલીન મુંબઈ ઝોનલ હેડ અને આ કેસના બહુચર્ચિત તપાસ અધિકારી સમીર વાનખેડેએ મીડિયાને માત્ર એટલું જ કહ્યું હતું કે ‘સોરી, હું આ બાબતે કાંઈ બોલી શકું એમ નથી. હું હવે એનસીબીમાં કાર્યરત નથી.
આ પ્રકરણે કૃપયા તમે એનસીબીના અધિકારીને પૂછો...’ એવો જવાબ આપ્યો હતો.
દરમિયાન, ભારત સરકારે નાણાં મંત્રાલયને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શંકાસ્પદ કામગીરી બદલ તત્કાલીન મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીન વાનખેડે સામે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. એનસીબીના ડિરેક્ટર જનરલે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ જણાવ્યું હતું કે આ કેસમાં શરૂઆતમાં બહુ ભૂલો થઈ છે અને જવાબદારો સામે પગલાં લેવાશે. આનો અર્થ એ કાઢવામાં આવે છે કે વાનખેડે સામે કોઈ રીતે કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે વાનખેડે મૂળે ઇંડિયન રેવન્યુ સર્વીસના અધિકારી છે, અને તેમને ડેપ્યુટેશન પર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોમાં જવાબદારી સોંપાઇ હતી. આમ હવે તેમની સામે નાણાં મંત્રાલય દ્વારા પગલાં લેવાશે એમ મનાય છે.

મન્નતમાં બેવડી ઉજવણીનો માહોલ
શાહરુખ ખાન નિવાસસ્થાન ‘મન્નત’માં શુક્રવારે એક સાથે ડબલ જશ્નનો માહોલ સર્જાયો હતો. નાના પુત્ર અબરામના જન્મદિવસે જ મોટા પુત્ર આર્યનને ડ્રગ્સ કેસમાં ક્લિન ચિટ મળી છે. અબરામને 27મેના રોજ નવ વર્ષ પૂરા થયા છે. દોસ્તો અને પરિવાર સાથે તેના જન્મદિવસની ઊજવણીની તૈયારી ચાલતી હતી તે દરમિયાન જ કોર્ટનો ચુકાદો આવતાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.
સમગ્ર કેસ બહાર આવ્યો છે ત્યારથી શાહરુખે ભારે ચૂપકિદી જાળવીને મીડિયા સમક્ષ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું ન હતું. બોલિવૂડમાં શાહરુખના મિત્રોને પણ કોઈ પણ પ્રકારની નિવેદનબાજીથી દૂર રહેવા જણાવાયું હતું. શાહરુખ વતી તેની મેનેજર પૂજા ડડલાણી જ વખતોવખત કોર્ટમાં હાજર રહી હતી. શાહરુખ માત્ર એક વાર પુત્ર આર્યનને મળવા માટે આર્થર રોડ જેલમાં ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter