ન.મો. જે ‘સમયને પણ સેટ’ કરી જાણે છે!

Friday 03rd June 2022 11:09 EDT
 
 

નવી દિલ્હી: કોરોના મહામારીના વૈશ્વિક દોર પછી તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા વિદેશ પ્રવાસે જાપાન પહોંચ્યા. ક્વાડ સમિટમાં હાજરી આપી. યુએસ પ્રમુખ જો બાઇડેન ઉપરાંત યજમાન જાપાન અને ઓસ્ટ્રેલિયાન વડા પ્રધાનને વન-ટુ-વન મળ્યા. જાપાનના ઉદ્યોગપતિઓને મળ્યા. અને ભારતીય સમુદાયને પણ મળ્યા. દિલ્હીથી નીકળીને દિલ્હી પાછા પહોંચવા સુધીનો કુલ 41 કલાકનો પ્રવાસ હતો. આમાં બેઠકો ઉપરાંત ઊંઘવું - ફ્રેશ થવું - ભોજન કરવું બધું આવી ગયું. છતાં તેમણે 24થી વધુ મિટીંગ કરી. કઇ રીતે?! જરા સમજવા જેવું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન મિનિમમ ટાઇમમાં મેક્સિમમ આઉટપુટ આપવા માટે દિલ્હીથી જ પોતાની બોડી ક્લોકને રિસેટ કરી દીધી હતી. ૪૧ કલાકના આ પ્રવાસમાં તેમણે માત્ર સાડા સાત કલાક જ ઊંઘ લીધી હતી. તેમાં વિમાનમાં લીધેલી 4 કલાકની ઊંઘ પણ સામેલ છે. 3 દિવસના પ્રવાસમાં વડા પ્રધાને 24થી વધુ મીટિંગ કરી.
વડા પ્રધાન 22 મેની રાત્રે 8 વાગ્યે જાપાન માટે રવાના થયા તે સમયે જાપાનમાં રાતના 11:30 વાગ્યા હતા. વડા પ્રધાને દોઢ કલાક સુધી વિમાનમાં અધિકારીઓ સાથે બેઠક કરી. અર્થાત્ જાપાનમાં જ્યારે રાતના 1 વાગી રહ્યો હતો. ત્યારબાદ વડા પ્રધાન સૂઈ ગયા અને 4 કલાક બાદ અર્થાત્ જે સમયે જાપાનમાં સવારના 5.30 વાગ્યા હતા ત્યારે તેઓ ફરી જાગ્યા. એટલે કે તેઓએ જાપાનમાં દિવસ-રાતના હિસાબથી બોડી ક્લોક એડજસ્ટ કરી.
વડા પ્રધાનના જાપાન પ્રવાસના મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ મુજબ, તેઓ 23 મેના રોજ સવારે 7.50 વાગ્યે ટોક્યો એરપોર્ટ પહોંચ્યા અને 40 મિનિટ બાદ સવારે 8:30 વાગ્યાથી નિયત 9 કાર્યક્રમમાં સામેલ થયા. જેમાં 4 કાર્યક્રમ 20-20 મિનિટના હતા. દરેક કાર્યક્રમની વચ્ચે 10 મિનિટનો અંતરાલ હતો અને આ દરમિયાન પણ વડા પ્રધાન, અધિકારીઓની સાથે બ્રીફિંગ અને ફાઇલ અંગે ચર્ચા કરતા રહ્યા.
23 મેના રોજ કુલ 12 કલાક સુધી પીએમ બેઠક, સંવાદ, ઉદ્ઘાટન જેવા કાર્યક્રમમાં સતત વ્યસ્ત રહ્યા. એકથી બીજા કાર્યક્રમની વચ્ચે બ્રેકનો મહત્તમ સમયગાળો 10 મિનિટનો રહ્યો. બે કાર્યક્રમની વચ્ચે આટલો ઓછો સમય વડા પ્રધાન એ કારણસર રાખે છે, જેથી ન ખાલી સમય મળે અને ન શરીર થાક અનુભવે. મોદી પોતાના પ્રત્યેક પ્રવાસમાં આ પદ્ધતિ અપનાવે છે.
24 મેના રોજ વડા પ્રધાનના 12 કાર્યક્રમ હતા. તે સવારે 10 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી અર્થાત્ 13 કલાક ચાલ્યા. રાત્રે 11 વાગ્યે વડા પ્રધાન ભારત રવાના થઈને 25મી તારીખે સવારે 5 વાગ્યે દિલ્હી પહોંચ્યાશે. અને સવારે 7.30 વાગ્યાથી ફરી કામે લાગી ગયા હતા.
આ નરેન્દ્ર મોદી છે... જે પોતાની જરૂરત અનુસાર ‘સમયને પણ સેટ’ કરી જાણે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter