નવી દિલ્હીઃ વિનય સીતાપતિ લિખિત પુસ્તક ‘હાફલાઇન-હાઉ પી વી નરસિંહ રાવ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા’માં ઘટસ્ફોટ કરાયો છે કે, બાબરી મસ્જિદનું વિવાદાસ્પદ માળખું તોડી પાડવામાં આવ્યું તે પછી તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવે આઇબીને ૧૦, જનપથ ખાતેના સોનિયા ગાંધીનાં નિવાસસ્થાન પર નજર રાખવાની સૂચના આપી હતી. રાવે કેબિનેટના કેટલાક નેતાઓની યાદી પણ તૈયાર કરાવી હતી. કેબિનેટમાં કોણ સોનિયા તરફી છે અને કોણ તેમના સમર્થક છે તેની વિગતો આઇબી પાસે માગી હતી.
‘હાફલાઇન-હાઉ પી વી નરસિંહરાવ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા’ ૨૭ જૂનના રોજ લોન્ચ થઈ રહ્યું છે. લેખકે ૧૦૦ જેટલાં લોકોની મુલાકાત લઈને એ મુલાકાતોમાંતી મેળવેલાં દસ્તાવેજોના આધારે આ પુસ્તક લખ્યું છે.
પુસ્તકમાં દાવો કરાયો છે કે બાબરી ધ્વંસને પગલે સોનિયા ગાંધી અને રાવના સંબંધોમાં મે ૧૯૯૫માં ખારાશ આવી હતી. સોનિયાએ કોંગ્રેસના નેતાઓને રાવ પર નજર રાખવા કહ્યું હતું તો રાવે આઇબીને ૧૦, જનપથ પર નજર રાખવા જણાવ્યું હતું. રાવે આઇબી અધિકારીને પૂછયું હતું કે જનપથ ખાતે કેટલા હાઇકમાન્ડ અર્થાત્ રાવને તરફદાર અને કેટલા ૧૦, જનપથ તરફી કોંગ્રેસી નેતાઓ હાજર હતા.
આઇબીએ સૂચના મુજબ ૧૦, જનપથ ખાતે હાજર નેતાઓની યાદી બનાવી હતી. તેમાં રાજ્ય, જ્ઞાતિ, ઉંમરનો ઉલ્લેખ હતો. નેતા પ્રભાવશાળી છે કે નબળા તેની નોંધ હતી. પુસ્તકમાં જણાવ્યા મુજબ આ પહેલો પ્રસંગ નહોતો કે જ્યારે નરસિંહ રાવે આઇબીને ૧૦, જનપથ પર નજર રાખવા સૂચના આપી હોય.


