નરેન્દ્ર મોદી ૧૧-૧૨ નવેમ્બરે જાપાનના બે દિવસના પ્રવાસે જશે

Thursday 03rd November 2016 07:21 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ બે દિવસ માટે જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ જાપાનના પીએમ શન્જો અબે સાથે ત્રીજી વાર્ષિક શિખર બેઠક યોજશે જેમાં દ્વિપક્ષીય તેમજ વૈશ્વિક મુદ્દો ચર્ચાશે. મોદી જાપાનના રાજા અકિહિતોને પણ મળશે. મોદી છેલ્લે ઓગસ્ટ ૨૦૧૪માં જાપાન ગયા હતા. ટોકિયોમાં અબે સાથેની શિખરમાં મોદી જાપાન સાથેના નાગરિક અણુકરારને અંતિમ સ્વરૂપ આપે તેવી ધારણા છે આ કરાક અમલમાં આવે તો જાપાન ભારતને અણુપ્લાન્ટ ટેકનોલોજીની નિકાસ કરી શકશે. અણુપ્રસાર સંધિમાં નહીં જોડાનાર દેશ સાથે જાપાનનો આ પહેલો નાગરિક અણુસહયોગ હશે.
મોદીની મુલાકાતથી જાપાન અને ભારત વચ્ચે સહયોગના નવા યુગની શરૂઆત થશે. જાપાનના ભારત ખાતેના રાજદૂત કેન્જી હિરામાત્સુએ અગાઉ કહ્યું હતું કે કેટલીક ટેકનિકલ બાબતોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી જ બંને દેશો વચ્ચે નાગરિક અણુકરાર કરાશે. આ અંગે ટેકનિકલ મુદ્દા ચર્ચાઈ રહ્યા છે. હાલ કરાર પર હસ્તાક્ષર કરાશે તેવું હું કહી શકું નહીં કારણ કે હજી ટેકનિકલ બાબતોને અંતિમ ઓપ આપવાનો બાકી છે.
જાપાનના ડેપ્યુટી ચીફ કેબિનેટ સેક્રેટરી કોઈચી હેગીઉદાએ કહ્યું હતું કે મોદીની મુલાકાતથી જાપાન અને ભારત વચ્ચે સહયોગના નવા યુગની શરૂઆત થશે. બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ થશે. સાઉથ ચાઈના સી તેમજ હિંદ મહાસાગરમાં જ રીતે ચીનનો વિસ્તારવાદ વધી રહ્યો છે તેનો જાપાન વિરોધ કરી રહ્યો છે. આથી મોદીની જાપાન મુલાકાત આ બાબતમાં મહત્ત્વની ગણાઈ રહી છે.
વેપાર, ટેકનોલોજી અને માળખાગત સહયોગ સધાશે
ભારતનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બંને દેશના નેતાઓ પરસ્પર હિત ધરાવતા દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાની ચર્ચા કરશે. અને પરિણામલક્ષી વ્યાપક ભાગીદારીને આખરી ઓપ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter