નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧મી ફેબ્રુઆરીએ વૃંદાવન મથુરામાં આવેલા ‘અક્ષય પાત્ર ફાઉન્ડેશન’ના પ્રાંગણમાં સવારે ૧૧.૩૦ વાગે યોજાયેલી અનોખી ઉજવણીમાં ભાગ લીધો હતો. મોદીએ અક્ષય પાત્રની ૩૦૦ કરોડમી થાળી પીરસીને વિદ્યાર્થીને આપી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવેડકર પણ સાથે હતા.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન
અક્ષય પાત્ર ફાઉન્ડેશન એક એનજીઓ છે જે સરકારની સાથે મળી સરકારી સ્કૂલોમાં બાળકો માટે મિડ ડે મિલ યોજના પર કામ કરે છે. વર્ષ ૨૦૦૦માં શરૂ થયેલી આ એનજીઓએ વર્ષ વર્ષ ૨૦૧૬માં બે અબજમી થાળી અને ૨૦૧૯માં ૩ અબજમી થાળી પીરસવાનું આયોજન કર્યું હતું. અક્ષય પાત્ર ફાઉન્ડેશનનું લક્ષ્ય ૨૦૨૫માં પાંચ અબજમી થાળી પીરસવાનું છે. ૧૮ વર્ષના નાનકડા સમયમાં આ ફાઉન્ડેશને ૧૨ રાજ્યોનાં ૧૪૭૦૨ સ્કૂલો સુધી ૧.૭૬ મિલિયન બાળકોને મિડ ડે મિલ યોજનાનો લાભ અપાવ્યો છે.
બાળકો સાથે બાળકો જેવા
મોદી કાર્યક્રમોમાં બાળકો સાથે એવા ઓતપ્રોત થઇ જાય કે બાળકોને પણ મજા પડી જાય છે. કયારેક મોદી બાળકો સાથે મજાક કરતાં જોવા મળે છે. આવું જ એક વખત ફરીથી બન્યું જ્યારે મોદીએ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાળકોની વચ્ચે મોદી પહોંચ્યા અને અહીં મોદીએ બાળકોને પૂછયું કે, બાર વાગ્યે જમવાનું મળવું જોઇતું હતું, વડા પ્રધાન મોડા આવ્યા, તમારે જમવાનું મોડું થઇ ગયું ને?
તેમના પ્રશ્નનો જવાબ એક બાળક આપે તે પહેલાં જ બાજુમાં બેઠેલી છોકરી એ જે જવાબ આપ્યો તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મોદીના સવાલ પર બાળકીએ કહ્યું કે અમે તો સવારથી ખાવાનું ખાઇને આવ્યા હતા. મોદી બાળકીના નિખાલસ જવાબથી હસી પડ્યાં.
સોશિયલ મીડિયામાં વાયરલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં મોદીએ લખ્યું કે, બાળકોની સાથે સારી વાતચીત રહી. જમવામાં મોડું થવા પર પણ બાળકોને ખરાબ લાગ્યું નહીં. આ વીડિયો ૬ લાખથી વધુ વખત જોવાઇ ગયો અને ૨૫૦૦થી વધુ કમેન્ટ આવી છે. લોકો એ આ વીડિયો લઇને પોતાની પ્રતિક્રિયા પણ આપી દીધી છે.


