નરેન્દ્ર મોદીના રાજકીય જીવનનો મહત્ત્વનો પડાવ રહ્યું છે અયોધ્યા

Friday 15th November 2019 15:15 EST
 
 

નવી દિલ્હીઃ રામ મંદિર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અજબ સંયોગ છે. સપ્ટેમ્બર ૧૯૯૦માં સોમનાથ મંદિરેથી શરૂ થયેલી અડવાણીની રથયાત્રાના સારથિ મોદી હતા. હવે રામ જન્મભૂમિ વિવાદનો અંતિમ ચુકાદો પણ મોદીના કાર્યકાળમાં આવ્યો છે. અડવાણીની રથયાત્રાના સંયોજક આમ તો પ્રમોદ મહાજન હતા. પણ ગુજરાતમાં આ યાત્રાના શિલ્પી અને રણનીતિકાર નરેન્દ્ર મોદી હતા. આજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતમાં ભાજપના મહામંત્રી (સંગઠન) હતા. આ યાત્રાના સંયોજને નરેન્દ્ર મોદીને પાર્ટીમાં અલગ સ્થાને પહોંચાડી દીધા હતા. એ રીતે અયોધ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવનનો મહત્ત્વનો પડાવ રહ્યું છે.
રાષ્ટ્રીય રાજકારણમાં મોદીના ઉદયનો શ્રેય પણ અયોધ્યાને જ જાય છે. રથયાત્રાએ રામમંદિર આંદોલનની દિશા બદલી નાંખી હતી. ૧૯૯૦ની ૧૩મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીએ જ રથયાત્રાના કાર્યક્રમ તથા નકશા વિશે માહિતી આપી હતી. તેમણે આ દરમિયાન રામ મંદિરને રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતના અને સંકલ્પનો હિસ્સો દર્શાવીને સંઘર્ષનો મંત્ર ફૂંક્યો હતો. નરેન્દ્ર મોદી રાજનીતિના આ દૂરગામી મિશનના બેકરૂમ મેનેજર હતા.
રથયાત્રાને મળેલા પ્રચંડ પ્રતિસાદથી સંગઠનમાં તેમના કદમાં વધારો થયો હતો. રથયાત્રાના લીધે કેન્દ્રમાં વી. પી. સિંહે સરકાર ગુમાવી તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મૂળથી ઉખાડી ફેંકી. સોમનાથથી યાત્રા શરૂ કરવામાં ભાજપે શિવમંદિરનો પ્રતીક તરીકે ઉપયોગ કર્યો જેને મુસ્લિમ આક્રમણખોરોએ વારંવાર તોડ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter