નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમવારે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર - FTA) પર હસ્તાક્ષર કરાયા હતા. આ ઐતિહાસિક કરારની સાથે જ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારનાં એક નવા યુગની શરૂઆત થઈ છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ તેમજ પ્રતિકુળ માહોલ વચ્ચે બન્ને દેશોએ રેકોર્ડ 9 મહિનામાં આ કરારને અંતિમ ઓપ આપ્યો છે.
કેન્દ્રનાં વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ પ્રધાન ટોડ મેકલેએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બન્ને નેતાઓએ કરારને એક ઐતિહાસિક સિદ્ધિ સમાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ કરાર માત્ર એક વેપારી દસ્તાવેજ નહીં પણ, વિશ્વની સૌથી ઝડપથી વિકાસ પામતી ઈકોનોમી ભારત અને પ્રશાંત મહાસાગર વિસ્તારનાં વિકસિત દેશ ન્યૂઝીલેન્ડ વચ્ચે એક ગાઢ, લોક કેન્દ્રીત અને કાયમી વેપારી ભાગીદારીનો પ્રવેશદ્વાર છે.
ન્યૂઝીલેન્ડનું લક્ષ્યઃ ભારતમાં 20 બિલિયન ડોલરનું રોકાણ
બંને દેશોએ આ કરારને માઈલસ્ટોન સમાન ગણાવ્યો હતો. આ કરારનું મુખ્ય પરિબળ આગામી 5 વર્ષમાં બંને દેશો વચ્ચેનો વેપાર 5 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા આગામી 15 વર્ષમાં ભારતમાં 20 બિલિયન ડોલરનું રોકાણ કરાશે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, રિન્યુએબલ ઉર્જા કૃષિ અને ટેકનોલોજી ક્ષેત્રે રોકાણ કરાશે. ભારતનાં કુશળ પ્રોફેશનલ્સ માટે ન્યૂઝીલેન્ડમાં જોબની અનેક નવી તકો ખુલશે. કરારમાં જુદા જુદા 20 ચેપ્ટરમાં ગૂડ્ઝ ટ્રેડ, વિવાદોનો નિકાલ, કાનૂની જોગવાઈઓનો સમાવેશ કરાયો છે.
દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો સહિયારો ઉદ્દેશ્ય
આ એફટીએનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો છે. તેમજ ભારતમાં મોટા મૂડીરોકાણને આકર્ષવાનો છે. કરાર મુજબ ન્યૂઝીલેન્ડ દ્વારા ભારતમાં આગામી 15 વર્ષમાં આશરે રૂ. 1.80 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ કરારથી ભારતના વેપારીઓને અને ખાસ કરીને ચામડાનાં નિકાસકારોને લાભ થશે.
એફટીએમાં ભારતને શું મળ્યું?
• ન્યૂઝીલેન્ડના બજારમાં ભારત દ્વારા નિકાસ કરાતી 8284 ચીજોને ડયુટી ફ્રી એન્ટ્રી.
• ભારતની નિકાસ ચીજો પર 2.2 ટકા અને કાપડ તેમજ ચામડું જેવી ચીજો પર 10 ટકા ડયુટી લાગતી હતી તે હવે શુન્ય.
• કાપડ, ચામડું, એન્જિનિયરિંગ ચીજો. ઈલક્ટ્રોનિક્સ ચીજો અને ફૂડ સેકટરને ફાયદો.
• ફાર્માસ્યુટિકલ સેક્ટરને સરળ એન્ટ્રી.
• ભારત દ્વારા તેની 30 ટકા જેટલી ચીજોને ટેરિફ લાઈનથી બહાર રાખવામાં આવી છે. જેમાં ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ, ખાંડ, દાળ અને શાકભાજી, જેમ્સ એન્ડ જવેલરી તેમજ મેટલ્સ સામેલ છે.
• સર્વિસ સેક્ટરમાં ભારતનાં આઈટી, શિક્ષણ, નાણાકીય સર્વિસીસ, બાંધકામ અને ટૂરિઝમ જેવા ઉચ્ચ મૂલ્યો ધરાવતા સેકટરોમાં માર્કેટ એક્સેસ મેળવ્યું છે. કરાર મુજબ AYUSH, યોગ પ્રશિક્ષક, ભારતીય શેફ, મ્યુઝિક ટીચર્સ માટે ન્યૂઝીલેન્ડ જવાના રસ્તા ખુલશે.
• ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં નવા ટેમ્પરરી એમ્પલોયમેન્ટ એન્ટ્રી વિઝા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં દર વર્ષે 5000 ભારતીય સ્કિલ્ડ પ્રોફેશનલ્સ ન્યૂઝીલેન્ડમાં 3 વર્ષ સુધી રોકાણ કરીને કામ કરી શકશે.
• એન્જિનિયરિંગ અને હેલ્થકેર તેમજ શિક્ષણ સેક્ટરમાં નવી
તકો મળશે.
• ભારતીય વાઈન અને સ્પિરિટ્સને ન્યૂઝીલેન્ડનાં માર્કેટમાં ડયુટી ફ્રી એક્સેસ મળશે.
એફટીએમાં ન્યૂઝીલેન્ડને શું મળ્યું?
• ન્યૂઝીલેન્ડને ખેત ઉત્પાદનોમાં રાહત પણ ડેરી સેક્ટરમાં છૂટ નહીં.
• ન્યૂઝીલેન્ડને ભારતનાં બજારમાં પ્રવેશ માટે ભારત દ્વારા તેની 70 ટકા ટેરિફ લાઈન્સ ખોલવામાં આવી છે. જેમાં સફરજન, કીવી ફુટ, કૃત્રિમ મધ, જેવા કૃષિ ઉત્પાદનો પર ટેરિફમાં રાહત અપાઇ છે પણ ક્વોટા લિમિટ અને લઘુતમ ઈમ્પોર્ટ પ્રાઈસની શરત રહેશે.
• ન્યૂઝીલેન્ડને ભારતમાં તેની 54 ટકાથી વધારે નિકાસ પર તરત શૂન્ય ડ્યુટી મળશે. જેમાં શીપનું માંસ, ઉન, કોલસો, ફોરેસ્ટની પ્રોડક્ટસર સામેલ છે.
• સી ફૂડ, લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની ટેરિફને 10 વર્ષમાં તબક્કાવાર રદ કરાશે
• ભારતે ક્રીમ, પનીર, જેવી ડેરી પેદાશો અને ડુંગળી, દાળ, ખાંડ, દારૂગોળો અને કેટલાક મેટલ્સ જેવી સંવેદનશીલ ચીજોને રાહતની યાદીમાંથી બહાર રાખી છે.
• ભારતીય કપડા, પ્લાસ્ટિકનો સામાન, ચામડું તેમજ એન્જિનિયરિંગ સામાનને ન્યૂઝીલેન્ડમાં કોઈપણ ડ્યુટી વિના પ્રવેશ મળશે.
• ભારત દ્વારા ન્યૂઝીલેન્ડ માટે હાલ આયાત કરવામાં આવતી 95 ટકા ચીજો પર 70.03 ટકા ટેરિફ ફ્રી કરાઈ છે.
• કૃષિ ક્ષેત્રે સહયોગથી ભારતનાં ખેડૂતો હવે કીવી, સફરજન ઉગાડી શકશે અને મધનાં ઉત્પાદનમાં તેમને સહાય કરાશે.


