• રામનાથ કોવિંદ પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે જેમના નામની જાહેરાત થઇ ત્યારે દેશના સામાન્ય નાગરિકોને તેમની ઓળખ તો શું નામની પણ જાણકારી ન હતી. ૭૧ વર્ષીય કોવિંદ ખૂબ જ લો પ્રોફાઇલ રહે છે અને આટલા વર્ષોમાં પ્રચારથી દૂર રહ્યા છે.
• ઉત્તર પ્રદેશના વતની રામનાથ કોવિંદ ડો. કે. આર. નારાયણન બાદ ભારતના બીજા દલિત રાષ્ટ્રપતિ બન્યા છે.
• કાનપુર જિલ્લાના પરૌંખ નામના અતિ ગરીબ ગામડામાં ઘાસના છાપરાવાળી ઝૂંપડીમાં તેમનો જન્મ થયો હતો. અકસ્માતે ફાટી નીકળેલી આગમાં તેમની ઝૂંપડી તો સળગી ગઇ હતી, પરંતુ તેમના માતાનું પણ મૃત્યુ પામ્યા હતા. કોવિંદે બાદમાં તે જ જગા પર બે રૂમ સાથે કમ્યુનિટી સેન્ટર બનાવ્યું, જેમાં ગામના લોકો આજે શુભ પ્રસંગો યોજે છે.
• રામનાથ કોવિંદના મોટા ભાઇ ૭૬ વર્ષીય પ્યારેલાલ કોવિંદ આજે પણ આ જ ગામમાં ગુડ મંડીની ચોથા નંબરની ગલીમાં આઠ ફૂટ લાંબી, સાત ફૂટ પહોળી કાપડની દુકાન ધરાવે છે. હજુ થોડા વર્ષો પહેલા જ તેઓ સાયકલ પર કાપડની ફેરી ચલાવતા હતા. કોવિંદના ભાઇઓ આ ગામની આજુબાજુ જ પતલી ગલીઓમાં વસ્યા છે. ભાઇઓ નજીક નજીક જ સંપથી રહે છે.
• ગામમાં શાળા ન હોવાથી કોવિંદ દરરોજ આઠ કિલોમીટર ચાલીને બીજા ગામ ભણવા જતા હતા. કાયદાનો અભ્યાસ કરીને કોવિંદ યુપીએસસીની તૈયારી માટે દિલ્હી આવી ગયા હતા. યુપીએસસીમાં સિલેક્ટ થવા છતાં સિવિલ સેવામાં જોડાયા નહીં ને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા.
• ૧૯૯૧માં ભારતીય જનતા પક્ષ સાથે જોડાયા અને માત્ર ત્રણ જ વર્ષમાં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. ૨૦૦૬ સુધી તેઓ સતત બે ટર્મ રાજ્યસભાના સભ્ય રહ્યા.
• ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર રચાયા બાદ કોવિંદની બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી.
• ૧૯૯૮થી ૨૦૦૨ સુધી કોવિંદ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા છે.
• કોવિંદના જીવનનું પહેલું ટુ-વ્હીલર હતું વેસ્પા સ્કૂટર. ૩૦ વર્ષની વયે ૧૯૭૫માં તેમણે તે ખરીદયું હતું. ત્યારે તેમનાં લગ્નને એક વર્ષ થયું હતું અને તેઓ દિલ્હીમાં વકીલાત કરતા હતા.
• તેમની પસંદગીની મીઠાઈ છે રસયાઉર. શેરડીના રસ અને ચોખાથી તે બને છે. અડદ અને મગની દાળ તેમને ખૂબ પસંદ છે.
• તેઓ હેન્ડલૂમની ખાદી પહેરે છે. ઝભ્ભો-લેંઘો તેમનો પ્રિય પોશાક છે. વસ્ત્રો લખનઉના નુરુલહક ટેલર પાસે સિવડાવે છે.
• પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમિયાન શંભુ દયાલ ત્રિપાઠી તેમના પ્રિય શિક્ષક હતા.
• બાળપણમાં કબડ્ડી-ગિલ્લી-દંડો તો રમતા હતા, પરંતુ સૌથી વધારે મનપસંદ રમત હતી પથ્થર અને બોલથી રમાતી પિડ્ડુ-આકાશ (નાગોલચુ).
• તેઓ વ્યવસાયે એડવોકેટ રહ્યા હોવાથી તેમને પૂછાતી મોટા ભાગની વાતો ઉદાહરણ સહિત સમજાવે છે.
• કોઇ પણ મોટી જવાબદારી મળ્યા બાદ પહેલા પોતાના ગામમાં પથરી દેવીના દર્શન કરે છે, તે બાદ બહાર કોઇ પ્રવાસે જાય છે.
• દરરોજ સવારે ૧૫ કિલોમીટર સહેલ કરે છે. દિલ્હીમાં સાઉથ એવન્યુથી લોધી ગાર્ડન સુધી રોજ સવારે વોક લેતા હતા.
• ૨૦૧૩માં કોવિંદની ભાજપના રાષ્ટ્રીય પ્રવકતામાંથી ઉત્તર પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી ત્યારે પત્ની સવિતાએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે તેમના પતિના પ્રદાનની કદર નથી થઈ રહી. સવિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે.