નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયારઃ ૧૩૫૦ સાંસદો માટે બેઠક વ્યવસ્થા

Wednesday 22nd January 2020 09:07 EST
 
 

નવી દિલ્હીઃ દેશમાં નવા સંસદ ભવન માટેના પ્રયાસ હવે વેગવંતા બન્યા છે. મોદી સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઇ ગયો છે. વર્તમાન સંસદ ભવન અંગ્રેજોએ બનાવ્યું હતું. જે હવે ઘણું જૂનું થઈ ગયું છે. આ ભવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોવાથી દેશ માટે હવે નવું સંસદ ભવન તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.
મોદી સરકારનો આશય છે કે દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઊજવી રહ્યો હોય ત્યારે આ ઈમારત બનીને તૈયાર થઈ જાય. આ આશય સાથે મોદી સરકાર આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ નવી ઈમારત એ રીતે બનાવાશે, જેથી ભવિષ્યમાં સાંસદોની સંખ્યા વધે તો પણ સમાવેશમાં કોઈ તકલીફ ના પડે. નવા ભવનમાં સાંસદોના બેસવા માટે ૯૦૦ બેઠકો હશે જ્યારે સંયુક્ત સત્રમાં ૧૩૫૦ સાંસદોની બેઠક વ્યવસ્થા હશે. તેમાં બે સાંસદોની એક બેન્ચ હશે.
અમદાવાદસ્થિત એચસીપી ડિઝાઈન મુજબ નવું ત્રિકોણીય સંસદ ભવન વર્તમાન પરિસરની બાજુમાં આવશે, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રને કેટલાક નવા સરકારી ભવનો સાથે ટ્રાન્સફર કરાશે અને નેશનલ આર્કાઈવ્સને ફરી તૈયાર કરાશે. વડા પ્રધાનનું નિવાસસ્થાન વર્તમાન સાઉથ બ્લોક પરિસરની પાછળ ટ્રાન્સફર કરાશે, જ્યારે ઉપરાષ્ટ્રપતિનું નિવાસ નોર્થ બ્લોકની પાછળ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter