નવી દિલ્હીઃ મોદી પ્રધાન મંડળમાં શપથ લીધેલા ૫૬ પ્રધાન કાં તો લોકસભાના સભ્યો છે કાં તો રાજયસભાના સભ્યો છે. આમાંથી ૫૧ પ્રધાનો કરોડપતિ છે તો ૨૨ પ્રધાનો સામે પોલીસ ચોપડે કેટલાક કેસ પણ નોંધાયેલા હોવાનું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે આઠ પ્રધાનો ધોરણ દસથી બાર સુધી ભણ્યા હતા, એક ગ્રેજ્યુએટ અને એક ડિપ્લોમા હોલ્ડર છે.
વડા પ્રધાન મોદી સહિત ૧૭ લોકસભાના અને હાલના રાજ્યસભાના સભ્યોમાં ૫૬ના એફિડેવિટ ચેક કરી હતી. ગ્રાહક બાબતોની પ્રધાન બનેલા લોકજન શક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનની અને નવા વિદેશ પ્રધાન એસ. જયશંકરની એફિડેવિટ ચેક કરતી નહોતી, કારણ કે તેઓ હાલમાં સંસદસભ્યો નથી. ૫૬ પ્રધાનો પૈકી ૨૨ જણા સામે ક્રિમિનલ કેસ ચાલે છે જ્યારે ૧૬ જણા સામેના ગંભીર કેસનો નિવેડો આવી ગયો છે. હત્યા, કોમી તોફાન, ચૂંટણીલક્ષી હિંસા વગેરે કેસોમાં પણ કેટલાકને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
૧૬મી લોકસભાની સરખામણીમાં ક્રિમિનલ કેસ ધરાવતા પ્રધાનોની સંખ્યા આઠ ટકા વધુ હતી જ્યારે જેમની સામે ગંભીર આરોપો હતા તેમની સંખ્યામાં ૧૨ ટકાનો
વધારો થયો છે, એમ એડીઆરે કહ્યું હતું. છ પ્રધાનોએ બે કોમ વચ્ચે હિંસા ફેલાય તેવા કાર્યક્રમો કર્યો હોવાની કબુલાત કરી હતી.