નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશેઃ વડા પ્રધાન

Thursday 17th December 2020 02:22 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કરતા કહ્યું હતું કે નવું સંસદ ગૃહ આત્મનિર્ભર ભારતની રચનાની સાક્ષી બનશે. વડા પ્રધાન મોદીએ કરેલા ભૂમિપૂજનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતા, કેબિનેટ પ્રધાનો, વિવિધ દેશોના રાજદ્વારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું.
કર્ણાટકના શૃંગેરી મઠના પૂજારીઓએ વડા પ્રધાન મોદીને પૂજા કરાવી હતી. આ પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના પ્રદાનો અને ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટા પણ હાજર રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જૂના સંસદ ભવને આઝાદી પછીના ભારતને દિશા આપી હતી તો નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતની રચનાનું સાક્ષી બનશે. નવા સંસદ ભવનનું નિર્માણ નૂતન અને પુરાતન સહઅસ્તિત્વનું ઉદાહરણ છે. ૨૦૧૪માં લોકશાહીના મંદિરમાં પ્રથમ વાર પ્રવેશતી વખતે મેં માથું નમાવીને નમન કર્યું હતું. સંસદની હાલની ઇમારત સ્વતંત્ર ભારતના તમામ ચઢાવ-ઉતાર, પડકાર, આશાનું પ્રતીક રહી છે. સંસદમાં કહેવાયેલી દરેક વાત આપણી લોકશાહીનો પાયો છે. હવે આ ઇમારતને ૧૦૦ વર્ષ થઇ ચૂક્યા છે તેથી તેને વિશ્રામની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકતંત્ર શા માટે સફળ છે તે દરેક પેઢીને સમજાવવાની જરૂર છે. લોકશાહી માટે ૧૩મી સદીના મેગ્નાકાર્ટાની ચર્ચા કરાય છે, પરંતુ ૧૨મી સદીમાં કર્ણાટકમાં બાસ્વેશ્વરજીના અનુભવ મંડપમથી લોકશાહીનો પ્રારંભ થઇ ચૂક્યો હતો.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભારત લોકશાહીની માતા છે. ભારતમાં દરેક ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધી રહી છે, મહિલાઓ અને યુવાનોની ભાગીદારીમાં સતત વધારો થઇ રહ્યો છે, જે આપણી વાઇબ્રન્ટ લોકશાહીને મજબૂત બનાવી રહી છે. સંસદની નવી ઇમારત દેશની આશા અને મહત્ત્વાકાંક્ષાને પૂરી કરશે. ૧૩૦ કરોડ ભારતીયો માટે આ ગૌરવનો દિવસ છે. તેમણે કહ્યું હતું કે આપણે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યાં છીએ. બીજા દેશો ભારતને લોકશાહીના પાઠ ભણાવે છે તે દુખદ છે. તેમના માટે લોકશાહી એક ચૂંટણી પ્રક્રિયા હશે પરંતુ ભારત માટે લોકશાહી જીવનનો માર્ગ છે.

નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમ સંસ્કારમાં ડીજે વગાડવા સમાન: કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે જણાવ્યું હતું કે, સંસદની નવી ઇમારતનું ભૂમિપૂજન શરમજનક છે. દેશ આર્થિક મંદીમાં સપડાયો છે ત્યારે ભાજપ ફાલતુ જુલૂસ કાઢી રહ્યો છે. સરકારનું આ પગલું અંતિમ સંસ્કારમાં ડીજે વગાડવા સમાન છે. એક તરફ ભાજપ ખેડૂતોની આજીવિકા પર બુલડોઝર ચલાવી રહ્યો છે અને બીજી તરફ જનતાના પૈસે ભવનનું નિર્માણ કરી રહ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, નવું સંસદ ભવન તો અમેરિકાના પેન્ટાગોન જેવું દેખાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter