નવા સંસદભવનમાં 6 પ્રવેશદ્વાર છે - ગજદ્વાર, મકરદ્વાર, અશ્વદ્વાર, શાર્દુલદ્વાર, ગરુડદ્વાર અને હંસદ્વાર. ગજદ્વાર વડા પ્રધાન માટે આરક્ષિત છે, જે જ્ઞાનમંડપથી સીધું લોકસભા પહોંચે છે. અશ્વદ્વારથી પ્રવેશતા સંકલ્પ મંડપ આવે છે, જે સીધું રાજ્યસભા જાય છે. ગરુડ-દ્વારથી પ્રવેશતા કર્તવ્ય મંડપ છે. પછી ખુલ્લું આંગણું છે જેની મધ્યમાં વટવૃક્ષ છે અને તેની ચોતરફ સાંસદો માટે ખાસ ચેમ્બર છે. મકરદ્વારથી પ્રવેશતા લોકસભા ચેમ્બર અને રાજ્યસભા ચેમ્બરની મધ્યમાં કોરિડોર છે જ્યાં હસ્તકલા ગેલેરી છે. શાર્દુલદ્વારથી પ્રવેશતા રાજ્યસભાની ચેમ્બર અને સાંસદોની ચેમ્બર વચ્ચેનો કોરિડોર છે, જેમાં આર્કિટેક્ચરલ ગેલેરી છે. હંસદ્વારથી પ્રવેશતા જ સાંસદોની ચેમ્બર અને લોકસભા ચેમ્બરની મધ્યનો કોરિડોર છે, જેમાં મ્યુઝિક ગેલેરી છે. લોકસભા ચેમ્બર્સની પાછલી દીવાલ પર જન, જનની જન્મભૂમિ નામની આર્ટ ગેલેરી છે. તો રાજ્યસભા ચેમ્બર્સની પાછળની દીવાલ પર સમુદ્રમંથનનું દ્રશ્ય છે.