મુંબઈઃ નાગપુર-મુંબઈ દૂરંતો એક્સપ્રેસના એન્જિન સહિત ૯ ડબ્બા મંગળવારે સવારે પાટા પરથી ખડી ગયા હતા. મહારાષ્ટ્રમાં તિતવાલા પાસે આ દુર્ઘટના સર્જાઇ હતી. આશરે ત્રીસથી વધુ પેસેન્જર્સ ઘાયલ થવાના અહેવાલ છે. સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓએ જણાવ્યું છે કે, અચાનક ભેખડો ધસવાથી દૂરંતો એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક મારીને મોટી જાનહાનિ અટકાવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ દિવસમાં આ ચોથી રેલવે દુર્ઘટના છે.
આસનગાંવ-વાસિંદ સ્ટેશન નજીક મંગળવારે સવારે ૬.૪૦ વાગ્યે આ દુર્ઘટના થઈ હતી. જે સ્થળે આ ઘટના બની ત્યાં ભારે ભારે વરસાદ ચાલુ જ હતો. પરિણામે ટ્રેકની માટી ધોવાઈ જવાના કારણે દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના પછી કલ્યાણથી રેસ્ક્યુ ટીમ પહોંચી હતી. આસપાસના લોકો પણ દુર્ઘટના બાદ મદદ માટે પહોંચ્યા હતા.
દુર્ઘટના બાદ સેન્ટ્રલ રેલવે દ્વારા તુરંત જ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા હતા. આ ઉપરાંત મુસાફરોને અતિ વરસાદ વચ્ચે મુંબઈ લાવવા બસની વ્યવસ્થા કરાઇ હતી. રેલવે બોર્ડના ચેરમેન અશ્વિન લોહાનીએ જણાવ્યું કે, દૂરંતો એક્સપ્રેસ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એન્જિન અને ૯ કોચ ખડી પડ્યા છે. પ્રથમ નજરે લેન્ડસ્લાઇડના કારણે ટ્રેક ધોવાઈ ગયો હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનું લાગી રહ્યું છે. સાઇટ પર રિપેરિંગ વર્ક શરૂ કરાયું છે.