નાણા પ્રધાનનો સૌથી મોટો બુસ્ટર ડોઝઃ કોર્પોરેટ ટેક્સમાં કાપ

Wednesday 25th September 2019 08:19 EDT
 
 

ગોવાઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ૨૦મીએ દેશની અર્થવ્યવસ્થા માટે સતત ૫મો અને સૌથી મોટો બુસ્ટર ડોઝ આપવાની ઘણી જાહેરાતો કરી. જેમાં કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકાથી ઘટાડી ૨૨ ટકા કરાયો છે. નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર પણ કોર્પોરેટ ટેક્સ ૨૫થી ઘટાડી ૧૫ કરાયો છે. સવારે ૧૦ વાગ્યે કરાયેલી આ જાહેરાતો બાદ આ સંબંધમાં વટહુકમ લવાયો હતો.
નવા કોર્પોરેટ ટેક્સ ૧ એપ્રિલ ૨૦૧૯થી અમલી માનવામાં આવશે. સીતારમણે કહ્યું કે કંપનીઓને અપાનારી આ છૂટથી સરકારને રૂ. ૧.૪૫ લાખ કરોડના ટેક્સનું નુકસાન થશે, પરંતુ આવનારા સમયમાં આ ખોટ ભરપાઈ થઈ જશે. નાણા પ્રધાનની આ જાહેરાત પછી શેરબજારમાં ૧૦ વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન રજનીશકુમારે કહ્યું કે તમામ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં કાપ સંભવતઃ ૨૮ વર્ષનો સૌથી મોટો સુધારો છે. આ પહેલાં ૧૯૯૧માં આવા સુધારા થયા હતા.
કોર્પોરેટ ટેક્સમાં રાહતનો નિર્ણય બોલ્ડઃ શક્તિકાંત
નાણા પ્રધાને કોર્પોરેટ ટેક્સમાં રાહતોની જાહેરાત કરી એ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ એક બોલ્ડ ડિસિઝન છે. એના કારણે કોર્પોરેટ સેક્ટરને ફાયદો થશે અને કંપનીઓને મોટો ફાયદો થશે. આ નિર્ણયના કારણે વિદેશી રોકાણ આવશે અને એનાથી દેશના લોકોને ફાયદો થશે.
૧૦૦૦ લિસ્ટેડ કંપનીઓનો રૂ. ૩૭ હજાર કરોડ ટેક્સ બચશે
કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતા દેશની ટોપ ૧૦૦૦ લિસ્ટેડ કંપનીઓને આશરે રૂ. ૩૭ હજાર કરોડનો ટેક્સ બચી શકે છે. આ આંકડો સરકારે ધારેલા ટેક્સ બચતના આંકડા કરતા ચોથા ભાગનો છે. ક્રિસિલ રિસર્ચનું આ અનુમાન નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ટેક્સ ચૂકવ્યા પહેલાના નફા પર આધારિત છે. આ પ્રમાણે ભારતીય કંપનીઓની આવક અને એબિટડા માર્જિન ચાલુ નાણાકીય વર્ષમાં ૫.૬ ટકા રહેવાની આશા છે એટલે
આ કંપનીઓની ટેક્સ બચતનો વાસ્તવિક આંકડો આ અનુમાનથી વધારે પણ હોઈ
શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter