નાણાં કાજે નિર્મલાનું લક્ષ્યઃ એક કાંકરે બે પક્ષી

Thursday 26th August 2021 04:59 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સોમવારે અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાના અને સરકારી તિજોરીને રોકડ-સમૃદ્ધ બનાવવાના બેવડા લક્ષ્ય સાથે રૂ. છ લાખ કરોડની મહત્ત્વકાંક્ષી યોજના રજૂ કરી છે. નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (એનએમપી) નામની આ યોજના અંતર્ગત ભારત સરકાર હસ્તકની ચાવીરૂપ મિલકતોને મોનેટાઈઝ કરીને રૂ. ૬ લાખ કરોડની જંગી રકમ ઊભી કરવાનું તેમનું આયોજન છે. આ માટે મહત્ત્વની ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ્સને ચાર વર્ષમાં એટલે કે ૨૦૨૨થી ૨૦૨૫ સુધીમાં ખાનગી ભાગીદારીમાં પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડેલ દ્વારા આપીને કે પછી લીઝ ઉપર આપીને આ નાણાં એકત્ર કરાશે. આ યોજનાની એક મહત્ત્વની વાત એ છે કે મિલકતો વેચ્યા પછી પણ તેનો માલિકીહક સરકાર પાસે જ રહેશે.

સીતારામને સ્પષ્ટતા કરી હતી કે જે એસેટ્સ વેચવાનું લિસ્ટ તૈયાર કરાયું છે તે તમામ કેન્દ્ર સરકારની માલિકીની છે, આમાં રાજ્ય સરકાર હસ્તકની મિલકતો સામેલ કરાશે નહીં. સમગ્ર પ્રક્રિયાનું એસેટ મોનેટાઈઝેશન ડેશબોર્ડ દ્વારા મોનિટરિંગ કરાશે.

હવે નાણાં ઉભા કરવાનો સમય
સીતારામને પત્રકારો સાથેની વાતચીતમાં આ યોજના અંગે જણાવ્યું કે, હવે કેન્દ્ર હસ્તકની મહત્ત્વની મિલકતોનું મોનેટાઈઝેશન કરીને પૈસા ઊભા કરવાનો સમય આવી ગયો છે. મોનેટાઈઝેશનથી જે રકમ મળશે તેનો ઉપયોગ વધુ સારા ઈન્ફ્રાસ્ટ્રકચરનાં સર્જન માટે રોકાણ સ્વરૂપે કરાશે. ઈકોનોમીમાં રિકવરી માટે જાહેર રોકાણ અને પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ મહત્ત્વનું છે. અમે આ માટે કેટલાક મહત્ત્વના અને ચાવીરૂપ ઈન્ફ્રાસ્ટ્રકચરને અલગ તારવ્યા છે જેનો અત્યાર સુધી ઓછો ઉપયોગ કરાયો છે. મોનેટાઈઝેશનનો મતલબ એવો નથી કે સરકારે તેની મિલકતો વેચવા કાઢી છે. કોઈ જમીન વેચાશે નહીં.

નેશનલ પ્લાન, ૧૨થી વધુ મંત્રાલય
સૂચિત નેશનલ પ્લાનમાં ૧૨થી વધુ મંત્રાલયો અને ૨૦થી વધુ એસેટ્સ ક્લાસને સામેલ કરાઈ છે. પ્લાનમાં રોડ મંત્રાલય, ટ્રાન્સપોર્ટ અને હાઈવે, રેલવે, પાવર, પાઈપલાઈન અને નેચરલ ગેસ, સિવિલ એવિયેશન, શિપિંગ પોટ્ર્સ અને વોટરવે, ટેલિકોમ્યુનિકેશન, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન, વેરહાઉસિંગ, માઈનિંગ, કોલસા મંત્રાલય તેમજ હાઉસિંગ અને શહેરી બાબતો મંત્રાલયોની એસેટ્સ આવરી લેવાશે.

શું છે એનએમપી પ્લાન?
નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (એનએમપી) પ્લાન એટલે કેન્દ્ર સરકાર હસ્તકની કે તેની માલિકીની મિલકતોમાં ખાનગી સેક્ટર સાથે ભાગીદારી કરીને પૈસા ઊભા કરવા અથવા તો નિશ્ચિત સમય માટે તેને ભાડે આપીને ભાડાંની રકમ એકઠી કરવી. સરકારે ૧૨ મંત્રાલયોની ૨૦ એસેટ્સ ક્લાસમાં સમાવિષ્ટ કંપનીઓની યાદી તૈયાર કરી છે જેમાં ખાનગી ભાગીદારી વિકસાવવામાં આવશે અથવા તો મિલકતો ભાડે અપાશે. આ પ્લાન મુજબ સરકારી અને પ્રાઈવેટ કંપનીઓ સાથે મળીને કોઈ પ્રોજેક્ટને આગળ વધારશે. મિલકતો ભાડે આપવાનાં સંદર્ભમાં સરકારી કામકાજ પ્રાઈવેટ હાથોમાં સોંપીને તેની પાસેથી ભાડું વસૂલવામાં આવશે. સરકાર ૨૦૨૫ સુધીનાં ૪ વર્ષમાં આ રીતે રૂ. ૬ લાખ કરોડ ઊભા કરવા ધારે છે.

રેલવે - એરપોર્ટ - કોલ માઇન્સ અગ્રતાક્રમે
રેલવે, એરપોર્ટ તેમજ કોલસાની ખાણોનાં મોનેટાઈઝેશનને અગ્રતા અપાશે, જેમાં ૧૫ રેલવે સ્ટેડિયમ, રેલવે સ્ટેશનો, ટ્રેનો, માઉન્ટેઈન રેલવે, ૨૫ એરપોર્ટસ - જેમાં હાલનાં એરપોર્ટમાં સરકારનો હિસ્સો, તેમજ ૧૬૦ કોલસાની ખાણો, શિપિંગમાં ૯ મોટા પોર્ટ, બે નેશનલ સ્ટેડિયમના મોનેટાઈઝેશનનો સમાવેશ થાય છે. નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાનમાં ૧૪ ટકા હિસ્સો રોડ, રેલવે અને પાવર સેક્ટર દ્વારા આવશે જ્યારે રેલવે દ્વારા ૨૬ ટકા હિસ્સો મળશે.

ઉત્પાદન વધશે - ઇન્ફ્રાસ્ટ્રકચર વિશ્વસ્તરનું બનશે
નીતિ આયોગનાં સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું હતું કે આ મોનેટાઈઝેશન યોજનાને કારણે જે તે સેક્ટરમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને વિશ્વસ્તરનું ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરી શકાશે. સરકાર હસ્તકની મિલકતોનું મૂલ્ય વધારી શકાશે. ઈકોનોમીનાં ગ્રોથ માટે તેમજ ધિરાણનું પ્રમાણ વધારવા તેમજ નવું ઈન્ફ્રાસ્ટ્રકચર માળખું ઊભું કરવાનો સરકારનો ઈરાદો છે.

રોકાણની નવી તકો - નવી રોજગારીનું સર્જન
નાણાં પ્રધાને જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવા નવા મોડેલને કારણે ફક્ત નાણાકીય રીતે સદ્ધર કે વ્યૂહાત્મક રોકાણકારો જ નહીં પણ સામાન્ય રોકાણકારો પણ રોકાણ કરી શકશે અને રોકાણની નવી તકો ખૂલશે.
નિર્મલા સીતારામને કહ્યું કે આ યોજનાનાં અમલ પછી દેશમાં નવી રોજગારીનું સર્જન શક્ય બનશે. આ ઉપરાંત નવા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ખાનગી રોકાણને આકર્ષી શકાશે. એસેટ મોનેટાઇઝેશનથી નવા નવા સાધનોની પ્રાપ્તિ અને સર્જન શક્ય બનશે અને તેને અનલોક કરી શકાશે. એસેટે્સનાં મોનેટાઇઝેશનની સમયમર્યાદા પૂરી થયા પછી મૂળ માલિકી હક ખાનગી ભાગીદારોને પાછો સોંપવામાં આવશે તે આ યોજનાની એક ફરજિયાત જોગવાઈ છે. સીતારામને સ્પષ્ટતા કરી હતી કે કોઈ એમ માનતું હોય કે આ યોજનાના દ્વારા જમીન વેચવામાં આવશે તો તેમની આ માન્યતા ખોટી છે, આમાં કોઈ જમીન વેચવામાં આવશે નહીં.

એનએમપીની ત્રણ મહત્ત્વની ખાસિયતો
• મોનેટાઇઝેશનનાં અધિકારોનો મતલબ જે તે એસેટ્સની માલિકી નથી. સોદાની સમયમર્યાદા પૂરી થયા પછી એસેટ્સ પરત લઈ લેવામાં આવશે. • મહત્ત્વની ઓછી જોખમી એસેટ્સનું મોનેટાઇઝેશન સ્થિર આવકનો ઇરાદો. • નિશ્ચિત કોન્ટ્રેક્ટ દ્વારા ભાગીદારી, કાર્યદક્ષ માપદંડો

રેલવે, હાઇવે, ટેલિકોમનો હિસ્સો વેચાશે કે લીઝ પર અપાશે
• રેલવે: ૪૦૦ સ્ટેશન, ૯૦ પેસેન્જર ટ્રેન, ૧૪૦૦ કિમીના ટ્રેક. રોડ બાદ સૌથી વધુ ૧.૫૨ લાખ કરોડ રૂપિયા રેલવેમાં ભાગીદારી વેચીને એકઠાં કરાશે. ૪૦૦ સ્ટેશન, ૯૦ પેસેન્જર ટ્રેન, ૧૪૦૦ કિમીના ટ્રેક લીઝ પર અપાશે. સાથે જ પર્વતીય વિસ્તારોમાં રેલવે સંચાલન પણ ખાનગી હાથોમાં જશે. કાલકા-શિમલા, દાર્જિલિંગ, નીલગિરી, માથેરાન ટ્રેક સામેલ છે. ૨૬૫ ગુડ્સ શેડ લીઝ પર અપાશે. સાથે જ ૬૭૩ કિમી ડીએફસી પણ ખાનગી ક્ષેત્રને અપાશે. ચુનંદા રેલવે કોલોની, રેલવેના ૧૫ સ્ટેડિયમનું સંચાલન લીઝ પર અપાશે.

• હાઈવે: ૨૭૬૦૦ કિમી રોડ, જે દેશના કુલ રોડના ૨૭ ટકા. સરકારને હાઈવેથી સૌથી વધુ પૈસા મળવાની આશા છે. ઉત્તર ભારતના ૨૯ રોડ, દક્ષિણના ૨૮, પૂર્વના ૨૨ અને પશ્ચિમ ભારતના ૨૫ રોડ લીઝ પર અપાશે. ખાનગી ક્ષેત્ર તેનું સંચાલન નક્કી મુદ્દત સુધી કરશે. આ મુદ્દત કેટલી હશે? તે પછીથી નક્કી કરાશે. રોડ ખાનગી હાથોમાં જવાથી વધારે ટોલ ચૂકવવો પડશે. આ સવાલના જવાબમાં અધિકારીઓએ કહ્યું કે એમ કહેવું હાલ યોગ્ય નથી કેમ કે ટોલને કાબૂમાં રાખવાની ફોર્મ્યૂલા તૈયાર કરવાનું હજુ બાકી છે.
• ટેલિકોમઃ ભારતનેટ ફાઈબરની ૨.૮૬ લાખ કિમી લાઈન અને બીએસએનએલ / એમટીએનએલના ટાવર પણ અપાશે, પણ માલિકીનો હક નહીં મળે.
• હોસ્પિટાલિટી: ૮ હોટેલ પણ લીઝ પર અપાશે કે તેમની ભાગીદારી વેચાશે. તેમાં દિલ્હીની બે મુખ્ય હોટેલ અશોકા અને હોટેલ સમ્રાટ સામેલ છે.
કોઈ ક્ષેત્રની ખાનગી સંપત્તિઓને કેટલા સમય માટે લીઝ પર આપવી છે કે સંચાલન સોંપવું છે, તેની સ્પષ્ટતા હજી નથી કરાઈ. સૂત્રો કહે છે કે એ નક્કી કરવામાં હજુ સમય લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter