નારાયણ... નારાયણઃ રાણેની ધરપકડનો વિવાદ

Wednesday 25th August 2021 05:20 EDT
 
 

મુંબઇઃ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર કરેલી ટિપ્પણીનો વિવાદ એટલો વકરી ગયો છે કે વાત નારાયણ રાણેની ધરપકડ સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય વિવાદના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. મોદી સરકારના વરિષ્ઠ પ્રધાન નારાયણ રાણેએ સોમવારે ભાજપની એક જનઆશીર્વાદ યાત્રા દરમિયાન કથિત રીતે કહ્યું હતું કે દેશનો ૭૫મો સ્વાતંત્ર્ય દિન હોવાની વાતને યાદ ન રાખી શકનાર ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારી દીધી હોત.
નારાયણ રાણેએ કહ્યું હતું કે, ‘આ શરમજનક છે કે મુખ્ય પ્રધાનને દેશનું આઝાદી વર્ષ ખબર નથી. મુખ્ય પ્રધાન સ્વતંત્રતા દિનના ભાષણમાં વર્ષ પૂછવા માટે પાછળ વળ્યા હતા. જો હું ત્યાં હોત તો એમને થપ્પડ મારી દેત.’ નારાયણ રાણેનું આ નિવેદન સમાચારોમાં ચમકવાની સાથે જ શિવસેનાથી માંડીને ભાજપ વચ્ચે નિવેદનબાજીનો દૌર શરૂ થઇ ગયો હતો. શિવસેનાના નાસિક શહેરના પ્રમુખ સુધાકર બડગુજરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહાડ, નાસિક ઉપરાંત પૂણેમાં પણ નારાયણ રાણે સામે પોલીસ ફરિયાદ થઈ છે. ઉલ્લેખનીય છે કે રાણેના આ નિવેદનને લઈને વિવાદ એ સમયે થઈ રહ્યો છે, જ્યારે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે.
નાસિક પોલીસની એક ટુકડી નારાયણ રાણેની ધરપકડ કરવા માટે રત્નાગિરિ પહોંચી હતી, જ્યાં તેઓ યાત્રા પર હતા. આ સમયે રત્નાગિરિની અદાલતે રાણેની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમણે અરજન્ટ સુનાવણી માટે મુંબઈ હાઈ કોર્ટમાં ધા નાંખી હતી, પણ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરી દીધો હતો.
આ પછી નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેએ રત્નાગિરિ પોલીસને રાણેની ધરપકડ કરવા વિનંતી કરી હતી. પાંડેએ કહ્યું કે ‘અમારી પર કોઈ દબાણ નથી. અમે તો કાયદાનું પાલન કરી રહ્યા છીએ. બંધારણીય પદે બિરાજમાન એક વ્યક્તિએ બંધારણીય પદે બિરાજમાન બીજી વ્યક્તિ સામે ફરિયાદ કરી છે અને આ મામલે પગલાં લઈ રહ્યા છીએ.’
આ અગાઉ પોલીસ કમિશનરે કહ્યું હતું કે નારાયણ રાણે સામે પોલીસ ફરિયાદ થઈ છે અને કાયદા અનુસાર કામ ચાલશે. મંગળવારે રાણેની ધરપકડ બાદ મોડી રાત્રે કોર્ટે તેમને જામીન પર છોડ્યા હતા.
ભાજપ-શિવસેના આમનેસામને
મંગળવારે રાણેની ધરપકડ સાથે જ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી પડ્યા છે. ભાજપે નારાયણ રાણેની ધરપકડનો ઉગ્ર વિરોધ કર્યો છે. ભાજપના કાર્યકરોએ તો મુંબઈ-ગોવા હાઈ-વે બ્લોક કરી દઇને વાહનવ્યવહાર ખોરવી નાંખ્યો હતો.
બીજી તરફ, રાણેના નિવેદનના વિરોધમાં મહારાષ્ટ્રમાં શિવસૈનિકો ઠેર ઠેર રસ્તા પર ઉતરી પડ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. શિવસેનાએ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું છે અને અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ભાજપે નિવેદન નકાર્યું, પણ ટેકો ખરો
શિવસેનાના કાર્યકરોએ રાજ્યમાં અનેક સ્થળોએ પ્રદેશ ભાજપના કાર્યાલય સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું છે, તો પથ્થરમારાની ઘટના પણ બની છે. નારાયણ રાણેના મુંબઈના જૂહુસ્થિત નિવાસસ્થાન બહાર પણ શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે. આ મામલે જો કંઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી સરકારની રહેશે તેમ રાણેના પુત્ર અને ભાજપના યુવા નેતા નીતીશ રાણેએ કહ્યું હતું.
ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘નારાયણ રાણેનું નિવેદન બચાવ કરી શકાય એવું નથી, પરંતુ શિવસેના પોલીસનો દુરુપયોગ કરી રહી છે અને અમે નારાયણ રાણેને ટેકો આપીશું.’
ભાજપના મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પણ નારાયણ રાણેના નિવેદન સાથે છેડો ફાડ્યો છે. જોકે, એ સાથે એમણે સરકાર પોલીસનો દુરુપયોગ કરી રહી હોવાનું અને રાજકીય વેરભાવના રાખતી હોવાનું કહ્યું છે. પાટીલે કહ્યું કે, ‘પ્રોટોકોલ અનુસાર મુખ્ય પ્રધાનના હોદ્દાની પહેલાં કેબિનેટ મિનિસ્ટરનો હોદ્દો આવે છે અને આ રીતે ધરપકડ કરી શકાય નહીં. જો ફરિયાદ હોય તો કેન્દ્રીય ગૃહ પ્રધાન સમક્ષ જવું જોઈએ.’
શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉતે તો નારાયણ રાણેનું મંત્રીપદ બરખાસ્ત કરવું જોઈએ એવી માગ પણ કરી છે. શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે રાણેને તત્કાળ પ્રધાનમંડળમાંથી હટાવવા માગ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter