નારીવાદનાં હિમાયતી સોનલ શુકલનું અવસાન

Thursday 16th September 2021 06:36 EDT
 
 

મુંબઇ: મહિલાઓના અધિકારો માટે સંઘર્ષ કરવા માટે જાણીતા એક્ટિવિસ્ટ સોનલ શુકલનું ૮૦ વર્ષની વયે એક ખાનગી હોસ્પિટલમાં આઠમી સપ્ટેમ્બરે મધરાતે અવસાન થયું છે. છેલ્લા થોડા સમયથી તેઓ બીમાર હતાં અને તેમને સારવાર માટે જુહૂની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના અંતિમસંસ્કાર વિલેપાર્લે સેવા સમાજ સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં.
સોનલબેન એંશીના દાયકાથી કિશોરીઓ અને મહિલા માટે કામ કરતાં હતા. વાચા નામની સંસ્થાના પણ તેઓ એક સ્થાપક હતાં. હવે આ સંસ્થાનું નામ બદલીને ફોર અગેન્સ્ટ ઓપ્રેશન ઓફ વુમન કરાયું છે. પિડીત મહિલાઓને ન્યાય અપાવવા એક સમયે સોનલબહેન પોતાના ઘરમાંથી જ કામ કરતાં અને ઘરનો એક રૂમ ખાસ આ કામગીરી માટે જ ફાળવી દીધો હતો.
જો કોઇને મહિલા ચળવળનો અભ્યાસ કરવો હોય તો તેમની સામાજિક સંસ્થા વાચામાં એ માટે એક કેન્દ્ર પણ છે. માત્ર મહિલાઓ માટેની લાઇબ્રેરીની પણ ત્યાં સુવિધા છે, જેમાં ૩૦૦૦ જેટલા પુસ્તકોમાં છે. મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓના દસ્તાવેજ પણ વાચાએ તૈયાર કર્યા છે. અનેક એવોર્ડ-પુરસ્કારથી સન્માનિત સોનલબહેનને તાજેતરમાં જ લોકશાહી અને સામાજિક ન્યાય માટે કાર્યરત જર્મનીની એક સંસ્થાએ સોનલબહેનને ફેમિનિસ્ટ આઇકનના બિરુદથી સન્માન્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter