નાસિક કુંભ મેળામાં ૩૬૧૭ કિલોમીટર લાંબી દિવેટ

Monday 20th July 2015 06:40 EDT
 
 

નાસિકઃ હિન્દુ ધર્મપરંપરામાં દીવડો પ્રગટાવવાનું આગવું મહત્ત્વ છે તેથી કોઇ પણ ધાર્મિક પ્રસંગે દીપ પ્રાગટ્યનું કોઇને આશ્ચર્ય હોય શકે નહીં, પરંતુ મહારાષ્ટ્રના નાસિકમાં શરૂ થયેલા સિંહસ્થ કુંભ મેળામાં પ્રજ્જવલ્લિત કરાયેલા દીવડાએ વિશ્વવિક્રમ સર્જ્યો છે. કુંભ મેળામાં પ્રજ્વલ્લિત કરાયેલી ‘મહાકુંભ અખંડ જ્યોત’ની વાટ ૩,૬૧૭ કિલોમીટર લાંબી છે. બીજા શબ્દોમાં કહીએ તો, કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર થાય તેટલી લાંબી આ દિવેટ છે. કુંભ મેળાના પ્રથમ દિવસે જ આ અખંડ જ્યોત પ્રજ્વલિત કરાઇ છે, જે પૂર્ણાહુતિ સુધી એટલે કે ૧૦૮ દિવસ સુધી પ્રકાશ રેલાવશે.
કુંભ મેળાના આયોજકોએ કહ્યું હતું કે ૧૪ જુલાઈએ ધ્વજારોહણ સમારંભ વખતે જ કમળના આકારનો આ દીવડો શિવ સેનાના વડા ઉદ્ધવ ઠાકરેના હસ્તે પ્રગટાવવામાં આવ્યો હતો. આ દીવો આઠ ફૂટ ઊંચો છે. દેશની એકતા અને વિવિધતાના પ્રતીકરૂપ આ દીવો ૧૦ ઓક્ટોબર સુધી અખંડ જ્યોતસ્વરૂપે પ્રકાશ રેલાવતો રહેશે.
શિવ સેનાના ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ ઘોલપે કહ્યું હતું કે આઠ મીટરનો ઘેરાવો ધરાવતા આ વિશાળ દીવડામાં દરરોજ અનેક લિટર તેલ પૂરવામાં આવે છે. તેની ચાર ઈંચ જાડી વાટ મશીનથી આગળ ધપતી રહે છે. રૂમાંથી બનાવેલી વાટનું બંડલ જ અડધો કિલોમીટર સુધી ફેલાયેલું છે.
કુંભ મેળા વખતે કાયમને માટે નિર્માણ કરાયેલા સાધુગ્રામની પાસે જ મૂકવામાં આવેલા આ વિશાળ દીવાનાં મહત્ત્વ અંગે રામાનુજાચાર્ય હિમાલયબાબાએ કહ્યું હતું કે ‘ભક્તોને આધ્યાત્મિક રીતે સંગઠિત કરવાનો આ એક અનોખો માર્ગ છે. આપણો દેશ કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે અને એટલે જ દેશ હંમેશને માટે સાંસ્કૃતિક રીતે સંગઠિત રહે તે માટે આ દીવાની વાટ આ બન્ને (કાશ્મીરથી કન્યાકુમારી) વચ્ચેના અંતર જેટલી લાંબી રાખવામાં આવી છે. આ દીવાના દર્શન કરનારા પ્રત્યેક ભક્તને આરોગ્ય, સંપત્તિ અને અધ્યાત્મિકતાના આશીર્વાદ મળે છે.’
કુંભ મેળામાં આવનારા ભક્તો આ વિશાળ દીપકને જોઈને અભિભૂત થઈ ગયા છે. પટણાથી આવેલા એક ઉદ્યોગપતિ વિનય કુમારે દીવો જોઈને કહ્યું હતું કે આમાં તો વિજ્ઞાન અને અધ્યાત્મિકતાનું મિલન જોવા મળી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter