નાસિકઃ ત્ર્યંબકેશ્વર-નાસિક સિંહસ્થ કુંભમેળાનો ૧૪ જુલાઈએ ધ્વજારોહણ અને પરંપરાગત વિધિ સાથે પ્રારંભ થયો છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ હાજર રહ્યા હતા. આ સિંહસ્થ કુંભમેળા દરમિયાન થનારા ત્રણ શાહીસ્નાન ઉપરાંત અનેક પર્વોમાં દસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગોદાવરી નદીમાં ડૂબકી લગાવશે. કુંભમેળાના આરંભ સાથે દેવગુરુ ગ્રહ બૃહસ્પતિ ફરી એક વાર સિંહ રાશિમાં પ્રવેશ્યા છે. સૂર્ય અને ચંદ્ર કર્ક રાશિમાં આવે છે ત્યારે અહીં કુંભમેળો યોજાય છે. સિંહસ્થ કુંભમેળાનું પ્રથમ શાહી સ્નાન રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણિમાએ યોજાશે. બીજું શાહી સ્નાન ૧૩ સપ્ટેમ્બર અમાસના દિવસે અને ત્રીજું શાહી સ્નાન ૧૮ સપ્ટેમ્બરે ઋષિપંચમીના પર્વકાળના વૈષ્ણવ વૈરાગી સંતો કરશે. શૈવ સંન્યાસી વામન જયંતી પર રપ સપ્ટેમ્બરે ત્ર્યંબકેશ્વરના કુશાવર્ત કુંડ પર ગોદાવરીના જળમાં ત્રીજા શાહી સ્નાનની ડૂબકી લગાવશે.
ઈસરો દ્વારા યુકેના પાંચ ઉપગ્રહો સફળતાપૂર્વક અંતરિક્ષમાં લોંચઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) દ્વારા શ્રીહરિકોટાથી બ્રિટનના પાંચ ઉપગ્રહોને અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી -સી-૨૮) દ્વારા શ્રીહરિકોટા ખાતે આવેલા સતીષ ધવન સ્પેસ સેન્ટરથી આ ગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા.આ ગ્રહોને ૨૦ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તેની નિર્ધારિત ભ્રમણકક્ષાએ પહોંચાડવામાં આવ્યા હતા.
તિસ્તાના ઘર અને ઓફિસ પર સીબીઆઈના દરોડાઃ વિદેશી ફંડના મુદ્દે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના મુંબઈસ્થિત ઘર અને ઓફિસમાં મંગળવારે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. કેન્દ્ર સરકારે ૨૭ જુને તિસ્તા સેતલવાડની સંસ્થા વિરૂદ્ધ સીબીઆઈ તપાસનો આદેશ કર્યો હતો. તિસ્તા પર ગુજરાતના રમખાણ પીડિતો માટે મળેલા ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ છે.ગૃહમંત્રાલયે એજન્સીને તીસ્તા સેતલવાડની કંપનીના દરેક ખાતાને પણ ફ્રીઝ કરવાનું જણાવ્યું છે.
આસારામ સામેના રેપ કેસના મુખ્ય સાક્ષીની હત્યાઃ આસારામ વિરુદ્ધ ચાલી રહેલા કથિત બળાત્કારના કેસમાં મુખ્ય સાક્ષી એવા ક્રિપાલસિંહ પર ગત સપ્તાહે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર ખાતે જીવલેણ હુમલો થયો હતો. સ્થાનિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ૩૫ વર્ષીય ક્રિપાલસિંહ નોકરી પરથી ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે હાઇ સિક્યુરિટી ઝોન ગણાતા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ આસારામ વિરુદ્ધ જુબાની નહીં આપવાની ધમકી ઉચ્ચારી ગોળીબાર કર્યો હતો.
ભારતની વસતિ ૧.૨૭ બિલિયનઃ ભારતની વસતિ અત્યારે ૧,૨૭,૪૨,૩૯,૭૬૯ થઈ ગઈ છે અને આ આંકડો હજુયે સરેરાશ ૧.૬ ટકાના વિકાસદરે સતત આગળ વધી રહ્યો છે. જો વસતી વધારો આ જ ગતિથી થશે તો વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારત વિશ્વનો સૌથી ગીચ દેશ હશે, એમનેશનલ પોપ્યુલેશન સ્ટેબિલાઈઝેશન ફંડે જાહેર કરેલા અહેવાલમાં જાણવા મળ્યું છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય હેઠળ કાર્યરત આ સ્વતંત્ર વિભાગે સતત વધી રહેલી વસતીને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. અત્યારે ભારતની વસતી ચીન કરતાં પણ અનેકગણી ઝડપથી વધી રહી છે. અત્યારે વિશ્વમાં સૌથી વધારે ૧.૩૯ બિલિયન લોકો ચીનમાં વસે છે. પરંતુ આપણે વધુમાં વધુ ૨૦૫૦ સુધીમાં ચીનને વસતીની બાબતમાં પાછળ પાડી દઈશું એવું નેશનલ પોપ્યુલેશન સ્ટેબિલાઈઝેશન ફંડે સત્તાવાર અહેવાલમાં જણાવ્યું છે.
વ્યાપમંની તમામ તપાસ સુપ્રીમ કોર્ટે CBIને સોંપીઃ સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે મધ્ય પ્રદેશના બહુચર્ચિત વ્યાપમં (વ્યાવસાયિક પરીક્ષા મંડળ) કૌભાંડની અને તેની સાથે સંબંધિત તમામ મૃત્યુના મામલાની તપાસ સીબીઆઈને સોંપી છે. જોકે સીબીઆઈ તપાસનું નિરીક્ષણ સુપ્રીમ કોર્ટ કરશે કે નહીં તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી.


