હૈદરાબાદઃ તેલંગણના નિઝામાબાદમાં ૧૭૦ ખેડૂતો સહિત ૧૮૫ ઉમેદવારોએ ફોર્મ ભરતા ચૂંટણી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ને બદલે બેલેટ પેપરથી કરાશે. આ બેઠક પર તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવના પુત્રી કે. કવિતા ચૂંટણી લડી રહ્યાં છે.
૧૮૫ ઉમેદવારોની યાદી સમાવતા બેલેટ યુનિટની વ્યવસ્થા મુશ્કેલ હોવાથી ચૂંટણી પંચે બેલેટ પેપરથી મતદાન કરાવવા નિર્ણય લીધો છે. ખેડૂતોએ શાસક પક્ષ તેલંગણ રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની નિષ્ફળ કૃષિ નીતિના વિરોધમાં આટલી મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે.
ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ પસાર થઇ ગયા પછી તેલંગણમાં કુલ ૪૪૩ ઉમેદવારો મેદાનમાં છે, જે પૈકી સૌથી
વધુ ૧૮૫ ઉમેદવારો નિઝામાબાદમાં છે.
રૂ. ૩૦૦ કરોડની રોકડ, ૧૨૫ કરોડનો દારૂ જપ્ત
લોકસભા ચૂંટણી જાહેર થવા સાથે શાબ્દિક યુદ્ધ તો શરૂ થઈ જ ગયું છે, પણ રોકડની હેરફેર પણ શરૂ થઇ ગઇ છે. ચૂંટણી આચારસંહિતા લાગુ થયા પછી વિવિધ એજન્સીઓ દ્વારા દરરોજ સરેરાશ ૧૧ કરોડ રૂપિયા જપ્ત થાય છે. અત્યાર સુધીમાં અંદાજે ૩૦૦ કરોડથી વધુની રોકડ જપ્ત થઈ છે. ચૂંટણીમાં રોકડ જ નહીં ૧૨૫ કરોડ રૂપિયાનો ગેરકાયદે દારૂ પણ ઝડપાયો છે.