નિર્ભયા કેસઃ ચારેય દોષિત અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા, મુકેશ સિંહને ફાંસી

Friday 20th March 2020 03:40 EDT
 
 

નવી દિલ્હીઃ દિલ્હીમાં ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ પેરામેડિકલની વિદ્યાર્થિની પર બળાત્કાર પછી તેને ગંભીર ઈજાઓનાં કારણે સિંગાપોરમાં દાખલ કરાઈ હતી. આ કેસમાં કુલ છ જણાની ધરપકડ કરાઈ હતી જેમાંથી એક સગીરને જુવેનાઈલ હોમમાં રાખીને પછી છોડાયો હતો અને એક રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી હતી. બાકી રહેલા ચારે ફાંસીથી બચવાના અનેક રસ્તા અપનાવ્યા જે નિષ્ફળ રહેતાં અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા, મુકેશ સિંહને ૨૦મી માર્ચે સવારે ૫.૩૦ વાગ્યે તિહાર જેલમાં ફાંસી અપાઈ હતી.

૧૯મી માર્ચે હાઇ કોર્ટમાં ફાંસી પર સ્ટે મૂકવાની અપીલ રદ થયા બાદ દોષિતોના વકીલ એ. પી. સિંહ ૧૯મી માર્ચની મોડી રાત્રી સુધી સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર પાસે અરજી દાખલ કરવા પહોંચ્યા હતાં. સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના જજે પણ વકીલની દલીલોને પાયાવિહોણી ગણાવીને ફાંસી પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી હતી.

અગાઉ અન્ય દોષિતોએ કોર્ટ અને રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરીને ફાંસી ટાળવા માટેના મરણિયા પ્રયાસો કર્યા પછી અંતે મુકેશ સિંહે પણ દયાની અરજી કરી હતી. જોકે મુકેશની દયાની અરજી પર પણ સુપ્રીમે જરા પણ વિચાર ન કરીને ફાંસી યથાવત રાખી હતી. એક દિવસમાં સાત અરજી નામંજૂર થયા બાદ નિર્ભયાના દોષિતો છેલ્લા પ્રયાસરૂપે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની કોર્ટે ૫મી માર્ચે ચોથું ડેથ વોરંટ જારી કર્યું હતું અને દોષિતોને માર્ચની ૨૦મીએ મળસ્કે ૫.૩૦ વાગે ફાંસીનો આદેશ અપાયો હતો. એ પછી ૧૯મી માર્ચે પટિયાલા હાઉસ કોર્ટે દોષિત અક્ષય ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તાની અરજી નકારી હતી. રાત્રે ૧૧.૧૫ વાગ્યા સુધી દિલ્હી હાઈ કોર્ટમાં દોષિતોની એક અરજી પર સુનાવણી ચાલુ રહી. જસ્ટિસ મનમોહન અને સંજીવ નરુલાએ દોષિતોના વકીલ એ. પી. સિંહને ખખડાવતાં કહ્યું હતું કે, સમજવાનો પ્રયત્ન કરો. તમારા અસીલનો ભગવાન પાસે પહોંચવાનો સમય નજીક આવી ગયો છે. અમારો સમય બરબાદ ન કરો. રાત્રે ૧૨.૦૦ વાગ્યે તેમની અરજી ફગાવી દેવાઈ હતી. જોકે દોષિતોના વકીલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ભાનુમતી અને કેટલાક કર્મચારીઓ રાત્રે કોર્ટમાં હાજર હતા.

નિર્ભયાની માતા આશાદેવી પણ તાત્કાલિક સર્વોચ્ચ અદાલત પહોંચ્યાં હતાં. તેમણે પણ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દોષિતોને ફાંસી જરૂર થશે. નિર્ભયાના ગુનેગારોએ ફાંસીના ૬ કલાક પહેલાં સુધી ફાંસીથી બચવા જુદા જુદા રસ્તા અપવ્યા હતા, પણ એકેય રસ્તો તેમને બચાવી શક્યો નહીં.

ઘટના શું હતી?

દિલ્હીમાં પેરામેડિકલની વિદ્યાર્થી સાથે ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ રાત્રે ૬ જણાએ ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીને સિંગાપોરમાં વધુ સારવાર માટે ખસેડાઈ હતી. ગંભીર રીતે ઈજાને લીધે ૨૬ ડિસેમ્બરે સિંગાપોરમાં ઈલાજ સમયે નિર્ભયાનું મોત થયું હતું. આ ઘટનાના ૯ મહિના બાદ સપ્ટેમ્બર, ૨૦૧૩માં નીચલી કોર્ટે પાંચ દોષિતો રામ સિંહ, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસીની સજા કરી હતી. માર્ચ ૨૦૧૪માં હાઈ કોર્ટે અને મે, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને યથાવત રાખી હતી. ટ્રાયલ સમયે મુખ્ય આરોપી રામ સિંહે તિહાર જેલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક દોષિત સગીર હોવાથી ૩ વર્ષમાં સુધી જુવેનાઈલ હોમમાં રહ્યા બાદ છૂટી ગયો હતો અને એક એનજીઓની મદદથી દક્ષિણ ભારતમાં કામે લગાડાયો છે.

૩ દોષિતોએ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી

એડિશનલ સેશન્સ કોર્ટમાં દોષિત અક્ષય સિંહ ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તાએ અરજી કરી હતી, જેમાં ફાંસી નહીં આપવા વિનંતી કરી હતી. સરકારી વકીલના એડિશનલ સેસન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ કહ્યું હતું કે, અક્ષય અને પવનની બીજી દયા અરજી આ આધાર પર નકારી દીધી હતી, કારણ કે પહેલી દયા અરજી પર જ આ અંગે નિર્ણય લેવાઈ ગયો હતો.

નિર્ભયાની માતા મક્કમ હતી

નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું કે કોર્ટે દોષિતોને અનેક તક આપી હતી. તેને લીધે દરેક વખતે ફાંસીમાં વિલંબ થયો. જોકે કોર્ટ તેમના કાવતરાને સમજી ગઈ અને નિર્ભયાને ન્યાય મળ્યો છે. દરમિયાન ૧૯મી માર્ચે પટિયાલા હાઉસ કોર્ટની બહાર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સુનાવણી દરમિયાન અક્ષયની પત્ની બેભાન થઈ ગઈ હતી. તો વિનય શર્માની માતાએ ફાંસી પહેલાં દીકરાને પોતાના હાથે બનાવેલા પૂરી શાક અને કચોરી ખવડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે ૧૪મી જાન્યુઆરીએ વિનયની ક્યુરેટિવ પીટિશન ફગાવી દીધી હતી. ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેની દયા અરજી ફગાવી હતી.

દક્ષિણ દિલ્હીના રવિદાસનગરમાં રહેતી વિનયની માતા મીડિયાના અન્ય સવાલોથી દૂર રહ્યાં, પોતાનું નામ પણ ન જણાવ્યું, પણ તેમણે કહ્યું કે, દીકરાને ફાંસી પહેલાં પોતાના હાથે બનાવેલાં પૂરી શાક કચોરી ખવડાવવા માગે છે. તેઓએ કહ્યું કે, ઘણા વર્ષોથી તે સાંભળી રહ્યા છે કે તેમનો દીકરો ગંભીર અપરાધમાં દોષિત છે.

તેઓએ કહ્યું કે, તિહાડ જેલના કર્મચારીઓએ મને ક્યારેય ભોજન કે અન્ય ચીજો દીકરા માટે લઇ જવા દીધી નથી. જો તેઓ મંજૂરી આપે તો છેલ્લી વખત દીકરાને પૂરી શાક અને કચોરી ખવડાવવા માગું છું.

કોરોના અંગે સાવચેતી રખાઈ

મધરાત ૩.૦૮: ગુનેગારોના વકીલ ઓ. પી. સિંહે દલીલ કરી કે, હજુ મારા અસીલોની એક અપીલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસે પેન્ડિંગ છે.

મધરાત ૩.૦૯: કોરોના સંક્રમણને ટાળવાના હેતુથી જાહેર થયેલી ગાઈડલાઈન મુજબ અદાલત પરિસરમાં મર્યાદિત લોકોની જ હાજરી રખાઈ. નિર્ભયાના માતા-પિતાને પણ પરિસરની બહાર ગાડીમાં બેસાડી રખાયાં હતાં.

મધરાત ૩.૧૧: બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ ભાનુમતિએ વિચારણા માટે ૧૦ મિનિટ જેટલો સમય લીધો અને પોતાની ચેમ્બરમાં ગયા.

મધરાત ૩.૧૭: નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું કે, અમે વર્ષોથી ન્યાય માટે સંઘર્ષ કર્યો છે. આજે નિયત સમય મુજબ ગુનેગારોને ફાંસી થશે જ.

મધરાત ૩.૨૨: ગુનેગાર અક્ષયની પત્નીએ અદાલત પરિસરમાં પતિ સાથે એક મુલાકાત માટે અદાલત સમક્ષ માગણી રજૂ કરી.

મધરાત ૩.૨૪: અક્ષયની પત્નીએ દલીલ કરી કે મેં છૂટાછેડાની અરજી કરી છે તેનો નિકાલ ન આવે ત્યાં સુધી ફાંસીનો અમલ ન થવો જોઈએ. હું વિધવા તરીકે મારી જિંદગી વિતાવવા નથી માગતી.

મધરાત ૩.૨૭: સર્વોચ્ચ અદાલતની કોર્ટ નં. ૫માં જસ્ટિસ ભાનુમતિએ ચુકાદો લખાવવાની શરૂઆત કરી.

મળસ્કે ૩.૩૨: ગુનેગાર પવનની અરજી સર્વોચ્ચ અદાલતે પણ ખારિજ કરી નિયત આદેશ મુજબ સવારે સવારે ૫.૩૦ વાગ્યે તિહાર જેલમાં ચારેય ગુનેગારોને ફાંસીએ લટકાવવાનો આદેશ થયો.

મળસ્કે ૩.૩૫: નિર્ભયાની માતા આશાદેવીએ આંખમાં આંસુ સાથે કહ્યું, મારી દીકરીને જ નહીં પણ બળાત્કાર પીડિત દેશની દરેક દીકરીને ન્યાય મળી રહ્યો છે.

૩ ડેથ વોરંટ રદ્દ થયા

પ્રથમઃ ૨૨મી જાન્યુઆરીની સવારે ૬ વાગે ફાંસી થવાની હતી, પણ તે ટળી

બીજુંઃ ૧લી ફેબ્રુઆરીએ ફાંસી આપવા ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું, પણ ફાંસી ન થઈ.

ત્રીજુંઃ ૩ માર્ચની સવારે ૬ વાગે ફાંસી થવાની હતી, પણ દોષિત પવન પાસે કાયદાકીય વિકલ્પ હોવાથી ફાંસી ટળી

ચોથુંઃ દિલ્હી કોર્ટે પાંચ માર્ચની સવારે ૫.૩૦ વાગે ફાંસી આપવા આદેશ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter