નિર્મોહી અખાડાને રામમંદિર ટ્રસ્ટમાં ભૂમિકા આપોઃ સાધુ-સંતો મોદીને મળશે

Wednesday 20th November 2019 04:42 EST
 
 

અયોધ્યાઃ રામ મંદિર નિર્માણ માટે રચાનારા ટ્રસ્ટમાં મહત્ત્વની ભૂમિકા આપવાની માગ સાથે નિર્મોહી અખાડાના સંતો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે. સોમવારે સાધુ-સંતોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવનારા ટ્રસ્ટમાં ૧૪થી ૧૭ સભ્યો હોઈ શકે છે. એમાં વિહિપ અને બજરંગ દળના પ્રતિનિધિઓને પણ સ્થાન મળી શકે છે. સભ્યો કોણ હશે એ નિર્ણય વડા પ્રધાન કરશે. અખાડાના પ્રવક્તા રણજીત લાલ વર્માએ કહ્યું હતું કે રામ જન્મભૂમિ મંદિરમાં નિર્મોહી અખાડાની ઐતિહાસિક ઉપસ્થિતિ છે. રામલલ્લાના પૂજનનો અધિકાર કાયમ નિર્મોહી અખાડા પાસે રહ્યો છે.
નિર્મોહી અખાડાના મહંત હિતેન્દ્ર દાસે કહ્યું હતું કે મંદિર નિર્માણ કાર્યમાં અખાડા સકારાત્મક ભૂમિકા ભજવશે. રામ જન્મભૂમિ ન્યાસના મોડેલ પર મંદિર નિર્માણ કરવામાં અમને કોઈ વિરોધ નથી. અયોધ્યા રામજન્મભૂમિ વિવાદમાં પક્ષકાર રહેલા નિર્મોહી અખાડાનો સંબંધ રામાનંદી વૈષ્ણવ સંપ્રદાય સાથે છે. સુપ્રીમ કોર્ટે પણ તેના ચુકાદામાં રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવનારા ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધિત્વ આપવા કહ્યું હતું.
આ પહેલા વિશ્વ હિંદુ પરિષદે રવિવારે કહ્યું હતું કે રામ મંદિર બાંધવા માટે ૬૦ ટકા નિર્માણ સામગ્રી અને નકશા તૈયાર છે. વિવાદિત જમીન રામલલ્લાને સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકાર વ્યવસ્થા બનાવે તો હિન્દુ સમાજ રામ મંદિરનું નિર્માણ કાર્ય તાત્કાલિક શરૂ કરી શકે એમ છે.

ન્યાસની ડિઝાઇન અનુસાર મંદિર નિર્માણ: વિહિપ

વિશ્વ હિંદુ પરિષદે (વિહિપ) એવું જણાવ્યું કે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને સામેલ કરવા જોઈએ. વિહિપના પ્રવક્તા શરદ શર્માએ કહ્યું હતું કે અમને આશા છે કે રામ જન્મભૂમિ ન્યાસની ડિઝાઇન અનુસાર જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. જોકે બધું કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે. ન્યાસ અયોધ્યામાં કારસેવકપુરમમાં વર્ષ ૧૯૯૦થી કલાકારો અને શિલ્પકારો માટે કાર્યશાળા ચાલી રહી છે તેમાં કલાકારોએ ઘણા પથ્થરો અને થાંભલા પર કલાકૃતિઓ કોતરી છે.
બીજી બાજુ, રાજ્યસભા સાંસદ અને વકીલ વિવેક તન્ખાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે તેથી કાયદો બનાવીને ટ્રસ્ટ બનાવવાની સંભાવના છે. આ સંબંધમાં બિલને સંસદના બન્ને ગૃહોમાં પાસ કરવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આગામી શિયાળુ સત્રમાં મોદી સરકાર ટ્રસ્ટ બનાવવા માટે ખરડો રજૂ કરી શકે છે. આ સત્ર ૧૯ નવેમ્બરથી શરૂ થઈને ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે.

સોમનાથ જેવું હશે રામ મંદિર ટ્રસ્ટ

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે વિવાદિત ૨.૭૭ એકર જમીન રામલલ્લા વિરાજમાનને સોંપવામાં આવે, કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે ૩ મહિનામાં બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની રચના કરે અને તેની યોજના ઘડી કાઢે. આ ચુકાદાના આધારે એવી શક્યતા વ્યક્ત કરાઇ છે કે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ પણ ગુજરાતના શ્રી સોમનાથ ટ્રસ્ટની જેમ જ ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ હશે. રામમંદિર નિર્માણ માટે નવા ટ્રસ્ટમાં શ્રી રામ જન્મભૂમિ ન્યાસ પણ સામેલ થશે. બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ સામેલ થઈ શકે છે. તેઓ સોમનાથ ટ્રસ્ટના પણ સભ્ય છે. સોમનાથ ટ્રસ્ટમાં ચેરમેન તથા સચિવ સહિત કુલ ૮ સભ્યો છે. સુપ્રીમ કોર્ટમાં શ્રી રામલલ્લા વિરાજમાનના વકીલ ત્રિલોકીનાથ પાંડેએ જણાવ્યું કે અમારી સામે શ્રી સોમનાથ ટ્રસ્ટની સાથે, તિરુપતિ દેવસ્થાનમ્ અને વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડનું પણ મોડેલ છે. કોર્ટના ચુકાદામાં આ પ્રકારની સંભાવના પર અમે પહેલાથી જ વિચારી લીધી હતી. નવા ટ્રસ્ટમાં શ્રી રામ જન્મભૂમિ ન્યાસ પણ સામેલ થશે. તેના સ્વરૂપ અંગે ભવિષ્યમાં વિચાર કરાશે. કેન્દ્ર સરકાર જ તેના વિશે કોઈ નિર્ણય કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter