નિષ્ફળતાથી હતાશ ન થવું, પ્રયાસો ચાલુ રાખવાઃ વડા પ્રધાન મોદી

Thursday 23rd January 2020 06:47 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આવેલા તારકટોરા સ્ટેડિયમમાં ૨૦મીએ પરીક્ષા પે ચર્ચા નામનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેઓએ પરીક્ષા પર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં વિદ્યાર્થીઓ, શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા હતા. મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તાણ મુક્ત જીવન કેવી રીતે જીવી શકાય અને કેવા કેવા ઉપાયોથી પરીક્ષા આપવામાં મદદ મળી રહે તે અંગે ચર્ચા કરી હતી. મોદીએ આ ચર્ચામાં દરેક ઘરમાં ટેક્નોલોજી ફ્રી રૂમનું સૂત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે તમારા ઘરમાં એક રૂમ એવો હોવો જોઇએ કે જે ટેક્નોલોજી ફ્રી હોય. સાથે તેમણે વિદ્યાર્થીઓને નિરાશ ન થવાની પણ સલાહ આપી હતી, તેમણે કહ્યું હતું કે જીવનમાં એવો પણ સમય આવતો હોય છે કે જેમાં ઇચ્છો તેવું પરિણામ ન પણ આવે. જોકે આવા સમયે નિરાશ નહીં થવાનું અને આગળ વધતું રહેવું જોઇએ.

મોદીએ વિદ્યાર્થીઓને નિરાશા સમયે બહાર આવવા માટે કેટલાક ઉદાહરણો પણ આપ્યા હતા જેમાં તેમણે ચંદ્રયાન-૨, ક્રિકેટ જેવા વિદ્યાર્થીઓને સમજાય તેવા ઉદાહરણો પણ આપ્યા હતા. મોદીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ના નહોતી પાડી પણ સાથે એવી અપીલ કરી હતી કે કોઇ પણ વ્યક્તિએ ટેક્નોલોજીનો ગુલામ પણ ન થવું જોઇએ.

મોદીએ કહ્યું હતું કે આપણે ટેક્નોલોજીને પોતાની કાબૂમાં કરવાનું શીખી જવું જોઇએ અને તેટલી ક્ષમતા તો આપણામાં હોવી જ જોઇએ કે જેથી આપણે ટેક્નોલોજીના ગુલામ ન બની જઇએ. જીવનમાં જ્યારે ટૂંક સમય માટે ઉતાર ચડાવ આવે તો તેનો મતલબ એ નથી થતો કે આપણે આગળ વધવાના પ્રયાસો મૂકી દેવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter