નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડ કર્યા પછી ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીનાં બહેન પૂર્વી મોદી સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ બજાવવામાં આવી છે. પૂર્વી મોદી બેલ્જિયમની નાગરિક છે, પણ તેના પર પીએનબી સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડનાં કૌભાંડમાં છેતરપિંડી કરીને મની લોન્ડરિંગ કર્યાનો ઈડીએ આરોપ લગાવ્યો છે. ઈડીએ તેની પહેલી ચાર્જશીટમાં જ પૂર્વી મોદીનું નામ સામેલ કર્યું હતું. ઇન્ટરનેશનલ એરેસ્ટ વોરન્ટ તરીકે કામ કરતી નોટિસમાં ૪૪ વર્ષનાં પૂર્વી દીપક મોદીની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડની માગણી કરવામાં આવી છે. ઈડીની વિનંતીને આધારે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ બજાવાઈ છે. ઇન્ટરપોલની નોટિસમાં જણાવ્યા મુજબ પૂર્વી મોદી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષા બોલવાનું જાણે છે અને બેલ્જિયમના નાગરિક છે. રેડ કોર્નર નોટિસ બજાવ્યા પછી વિશ્વના ૧૯૨ દેશમાંથી આરોપીને પકડવાનું ફરમાન કરાય છે. નીરવ મોદીના યુએસબિઝનેસના સાથી મિહિર ભણસાલી સામે થોડા દિવસ પહેલાં આવી રેડ કોર્નર નોટિસ બજાવાઈ હતી.

