નવી દિલ્હીઃ ટાટા મોટર્સની સ્મોલ કાર નેનોની સફર કદાચ સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. જૂનમાં માત્ર એક નેનોનું ઉત્પાદન થયું છે જોકે, કંપનીનું કહેવું છે કે નેનોનું ઉત્પાદન બંધ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
એન્ટ્રી લેવલની કાર એ રતન ટાટાનું સ્વપ્ન હતું. લોકો ટુ-વ્હીલર પર જોખમી સવારી કરે તેના બદલે સુરક્ષિત અને પોસાય તેવી ફેમિલી કાર ખરીદી શકે તેવા હેતુથી નેનોનો જન્મ થયો હતો. ઉલ્લેખનીય છે કે ગયા મહિને સ્થાનિક બજારમાં માત્ર ત્રણ નેનોનું વેચાણ થયું હતું. ટાટા મોટર્સે નિયમનકારી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષ જૂનમાં એક પણ નેનોની નિકાસ થઈ નથી. ગયા વર્ષે જૂનમાં ૨૫ યુનિટની નિકાસ થઈ હતી.
જૂન ૨૦૧૭માં ૨૭૫ યુનિટનું ઉત્પાદન થયું હતું. જ્યારે જૂન ૨૦૧૮માં ફક્ત એક જ નેનોનું ઉત્પાદન થયું હતું. ગયા વર્ષે જૂનમાં ૧૬૭ નેનો વેચાઈ હતી. ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે નેનો અત્યારના સ્વરૂપમાં ૨૦૧૯થી આગળ નહીં જઈ શકે. તેને ટકાવવા માટે કદાચ નવું રોકાણ કરવામાં આવી શકે છે. અમે મુખ્ય બજારોમાં ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન ચાલુ રાખીએ છીએ.’
જાન્યુઆરી ૨૦૦૮માં નેનોને સૌપ્રથમ વખત ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી તે સમયે તેના અંગે ઘણી અપેક્ષાઓ હતી, જે સાકાર થઈ શકી નથી. માર્ચ ૨૦૦૯માં તેને બજારમાં મૂકવામાં આવી ત્યારે બેઝ મોડેલનો ભાવ એક લાખ રૂપિયા હતો.