નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેરઃ ‘છીછોરે’ બેસ્ટ ફિલ્મ મનોજ વાજપેયી, ધનુષ અને કંગના શ્રેષ્ઠ કલાકાર

Wednesday 24th March 2021 06:13 EDT
 
 

નવી દિલ્હીઃ સોમવારે ૬૭મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરાઇ હતી, જેમાં ખમતીધર અભિનેતા મનોજ વાજપેયી (ફિલ્મ - ‘ભોંસલે’) અને દક્ષિણના સ્ટાર ધનુષ (ફિલ્મ - ‘અસુરન’)ને સંયુક્તણે બેસ્ટ એક્ટર જાહેર કરાયા હતા તો કંગના રણૌતને ફિલ્મ ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જાહેર થયો છે. વર્ષ ૨૦૧૯માં રિલિઝ થયેલી ફિલ્મો માટે જાહેર થયેલા આ એવોર્ડ્સમાં સુશાંત સિંહની ફિલ્મ ‘છીછોરે’ને હિન્દી કેટેગરીમાં બેસ્ટ ફિલ્મ જાહેર થઇ છે.
દર વર્ષે ભારત સરકાર દ્વારા નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થાય છે. આ વર્ષે બેસ્ટ ફિલ્મનો ઓવરઓલ એવોર્ડ મલયાલી ભાષાની ફિલ્મ ‘મરક્કર - લાયન ઓફ ધ અરેબિયન સી’ને મળ્યો છે.
ગુજરાત-રાજસ્થાનમાં ચારણોની સારી એવી વસ્તી છે. આ ચારણ સમુદાય, તેમની પરંપરા, સંસ્કૃતિ, લુપ્ત થતી કળાઓ અને સંસ્કૃતિની જાળવણીમાં ચારણોના પ્રદાન વિશે દિલનાઝ કાલવાચવાલેએ બનાવેલી ‘ચારણત્વઃ ધ એસેન્સ ઓફ બિઈંગ નોમાડ’ નાેમે ડોક્યુમેન્ટરી બનાવી હતી. નેશનલ ફિલ્મ ડિવિઝને પ્રોડ્યુસ કરેલી આ ડોક્યુમેન્ટરીને બેસ્ટ એથનોગ્રાફિક કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. વિવિધ ભાષાની ફિલ્મોમાં પણ બેસ્ટનો એવોર્ડ મળતો હોય છે. ફિચર ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોઈ ફિલ્મને મળ્યો નથી.
સુભાષચંદ્ર બોઝની કથિત ગુમનામ જિંદગી રજૂ કરતી બંગાળી ફિલ્મ ‘ગુમનામી’ને બેસ્ટ બંગાળી ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. આ વખતે ફિચર ફિલ્મ કેટેગરીમાં ૪૬૧ ફિલ્મો આવી હતી, જ્યારે નોનફિચર કેટેગરીમાં ૨૨૦ ફિલ્મો આવી હતી. સિક્કીમને ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ ઘોષિત કરવામાં આવ્યું હતું. જ્યારે સિનેમા વિશેના સર્વોત્તમ પુસ્તકનો એવોર્ડ ‘અ ગાંધીઅન અફેર્સ’ને મળ્યો હતો. ‘મરક્કર’ને કુલ ૩ એવોર્ડ મળ્યા છે. આ ફિલ્મ ૧૬મી સદીના નૌકાયોદ્ધા કુંજલી મરક્કરના પરાક્રમ પર આધારિત છે. સિદ્ધહસ્ત ડિરેક્ટર પ્રિયદર્શને ફિલ્મ બનાવી છે અને સુપર સ્ટાર મોહનલાલ તેમાં મરક્કરના રોલમાં છે.
એવોર્ડ વિજેતાઓ
• બેસ્ટ ફિલ્મ - ‘મરક્કર’ (મલયાલમ) • બેસ્ટ હિન્દી - ‘છીછોરે’ • બેસ્ટ એક્ટ્રેસ - કંગના રણૌત • બેસ્ટ એક્ટર - મનોજ વાજપેયી અને ધનુષ • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - વિજય સેથુપથી (‘સુપર ડિલક્સ’) • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - પલ્લવી જોશી (‘ધ તાશ્કંત ફાઈલ્સ’) • બેસ્ટ સિનેમેટોગ્રાફ - ‘જલ્લિકટ્ટુ’ • બેસ્ટ એક્સપ્લોરેશન ફિલ્મ - ‘વાઈલ્ડ કર્ણાટક’ • બેસ્ટ એજ્યુકેશન ફિલ્મ - ‘એપલ્સ એન્ડ ઓરેન્જીસ’
• બેસ્ટ સોશિયલ ઈસ્યુ ફિલ્મ - ‘હોલી રાઈટ્સ’ અને ‘લાડલી’ • બેસ્ટ નોન-ફિચર ફિલ્મ - ‘અનએન્જિનિઅર્ડ ડ્રીમ’ • બેસ્ટ ડાયલોગ રાઈટર - ‘ધ તાશ્કંત ફાઈલ્સ’ • બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - બી. પ્રાક (‘તેરી મિટ્ટી મેં મિલ જાવા...’) • બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ - ‘કસ્તુરી’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter