નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા પછી રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા સમન્સ બજાવવો કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
ઈડીની તપાસ અનુસાર નેશનલ હેરાલ્ડ અખબારની માલિક કંપની એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) દ્વારા ફક્ત રૂ. 50 લાખમાં કંપનીની રૂ. 2000 કરોડની સંપત્તિ હડપ કરી લેવા કોશિષ કરાઇ હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસી નેતાઓએ કાવતરું ઘડયું હતું અને એજેએલનો 99 ટકા હિસ્સો બીજી એક ખાનગી કંપની યંગ ઇન્ડિયનને રૂ. 50 લાખમાં સોંપાયો હતો. આ કંપની સોનિયા અને રાહુલના નિયંત્રણમાં હતી. કેસમાં આરોપીઓએ પૈસા અને સંપત્તિ હડપ કરીને મની લોન્ડરિંગ કર્યું હોવાનાં આરોપો લગાવાયા છે. 2008 સુધીમાં AJL ખોટ કરવા લાગતા તેનાં પર રૂ. 90 કરોડનું દેવું હતું. ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદને આધારે સોનિયા અને રાહુલ પર છેતરપિંડી અને ખોટી રીતે સંપત્તિ હડપ કરવાનો આરોપ છે. 2010માં યંગ ઈંડિયન લિમિટેડ નામે નવી કંપની બની જેમાં સોનિયા અને રાહુલની 76 ટકા હિસ્સેદારી હતી. બાકી હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિઝ પાસે હતો. કોંગ્રેસે 90 કરોડનું દેવું ફક્ત રૂ. 50 લાખમાં યંગ ઇંડિયન લિમિટેડને ટ્રાન્સફર કર્યું હતું અને યંગ ઇંડિયન દ્વારા એજેએલની આશરે રૂ. 2000 કરોડની સંપત્તિ પડાવી લેવામાં આવી હતી.