નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડા ખાતે આફ્રિકી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પછી આફ્રિકી દેશોએ ભારત સરકાર વિરુદ્ધ નારાજગી જાહેર કરી છે. ભારત સરકારે આ ઘટનાઓની પૂરતી નિંદા ના કરી હોવાના આક્ષેપ પણ કર્યા છે. આ વંશીય હુમલા આફ્રિકી દેશો સાથેના ભારતના સંબંધો પર લાંબા ગાળાની અસર જન્માવી શકે છે.ગ્રેટર નોઇડામાં આફ્રિકી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના મુદ્દે આફ્રિકી દેશોના રાજદૂતોએ વિશેષ બેઠક બોલાવી હતી. બેઠકમાં આ પહેલાં થયેલા હુમલાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આફ્રિકાના રાજદૂતોએ પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા આપતાં એકમતે કહ્યું હતું કે ભારત સરકારે આ હુમલા પછી ભવિષ્યમાં આવા હુમલા ના થાય તે હેતુસર કોઈ નક્કર ઉપાય કર્યા નથી. અગાઉ થયેલા હુમલાની ભારત સરકારના સત્તાવાળાએ પૂરતી નિંદા પણ કરી નહોતી.
ગ્રેટર નોઈડામાં વસી રહેલા આફ્રિકી વિદ્યાર્થીઓ ભયભીત છે. સોશિયલ મીડિયા પર સ્થાનિકો કેન્યાના વિદ્યાર્થીને માર મારી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયા પછી વ્યાપક અસંતોષ પ્રવર્તી રહ્યો છે. રાજદૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા સલામતીનાં કડક પગલાં લેવાયાં છે પરંતુ નોઈડામાં વસતા આફ્રિકી વિદ્યાર્થીઓ ભયભીત છે.
રાજદૂતોનું સંયુક્ત નિવેદન
ગ્રેટર નોઇડાની ઘટના અંગે આફ્રિકી દેશોના રાજદૂતોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આ ઘટનાની આલોચના કરવામાં આવે છે. બેઠકમાં એ મુદ્દે સહમતી સધાઈ કે જે લોકોએ હુમલા કર્યા છે તે વંશીય સ્વભાવના છે. બીજા વંશો પ્રતિ ધિક્કારની લાગણી અનુભવે છે. ભારતના સત્તાવાળાએ આવી ઘટનાની નિંદા કરવી જોઇએ. ઘટનાને અંજામ આપનારા સામે કાયદેસરનાં પગલાંને વેગીલાં બનાવવાં જોઇએ. તે વાતે પણ સહમતી સધાઇ કે ઘટનાની સ્વતંત્ર તપાસ માટે માનવઅધિકાર કાઉન્સિલમાં માગણી કરવામાં આવશે. આફ્રિકી સંઘમાં પણ વિગતવાર અહેવાલ સોંપવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર સમિતિમાં રજૂઆત થશે
તમામ હુમલા વંશીય હોવાનું કહેતાં આફ્રિકાના રાજદૂતોએ જણાવ્યું હતું કે ભારત વિરુદ્ધ આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર સમિતિમાં રજૂઆત થશે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ૨૭ માર્ચના રોજ થયેલા વંશીય હુમલાના પીડિત નાઇજીરિયન નાગરિકોને ન્યાય અપાવવા તમામ રાજદ્વારી ઉપાય કરવામાં આવશે.