નવીદિલ્હીઃ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બ્લેક મની જાહેર કરવા કરચોરોને તક અપાઈ હતી, આઈટી વિભાગે આ સ્કીમ હેઠળ જાહેર કરેલાં બ્લેક મની પર રૂ. ૨,૪૫૧ કરોડ ટેક્સ વસૂલ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કરચોરો માટે જાહેર કરાયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૨૧,૦૦૦ લોકો દ્વારા રૂ. ૪,૯૦૦ કરોડનું બ્લેક મની જાહેર કરાયું છે. આ સ્કીમ હેઠળ બ્લેક મની જાહેર કરીને કરચોરોને નિર્દોષ પુરવાર થવાની તક અપાઈ હતી. એવા અહેવાલ બહાર આવ્યા છે. નોટબંધી પછી જાહેર કરાયેલી આ સ્કીમ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં રૂ. ૨,૪૫૧ કરોડનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે. આ વર્ષની ૩૧ માર્ચે આ સ્કીમ પૂરી થઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે આ સ્કીમ હેઠળ જાહેર કરેલા આ ફાઇનલ ફિગર છે. આવકવેરા દ્વારા કેટલાક કિસ્સામાં જેમણે બ્લેક મની જાહેર કર્યાં છે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેર કરેલી રકમ પર ૫૦ ટકા ટેક્સ વસૂલ
જે કરચોરો બ્લેક મની ધરાવે છે તેવાં લોકોને જાહેર કરેલી રકમ પર ૫૦ ટકા ટેક્સ, સરચાર્જ તેમજ પેનલ્ટી ચૂકવીને નિર્દોષ પુરવાર થવા તક આપવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ સ્કીમ શરૂ કરાઈ હતી જેને આ વર્ષે ૩૧ માર્ચે પૂરી કરાઈ હતી. સ્કીમ પૂરી થયા પછી મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે આ સ્કીમને જોઈએ તેવો સારો પ્રતિસાદ મળ્યો નથી.
ઇન્કમ ડેક્લેરેશનમાં રૂ. ૬૭,૩૮૨ કરોડની બ્લેક મની જાહેર
આ સ્કીમમાં જાહેર કરેલાં બ્લેક મનીની રકમના ૨૫ ટકા રકમ ફરજિયાતપણે વ્યાજ વિનાનાં એસ્ક્રો એકાઉન્ટમાં ચાર વર્ષ માટે જમા રાખવાની જોગવાઈ હતી. સરકારની ઇન્કમ ડેક્લેરેશન સ્કીમ પછી આ સ્કીમ જાહેર કરાઈ હતી. ઇન્કમ ડેક્લેરેશન સ્કીમમાં ૭૧,૭૨૬ લોકોએ રૂ. ૬૭,૩૮૨ કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું, જેના પર સરકારે રૂ. ૧૨,૭૦૦ કરોડનો ટેક્સ વસૂલ્યો હતો.
આરબીઆઈ પર રૂ. ૨૫,૦૦૦ કરોડના વ્યાજનો બોજ વધ્યો
નોટબંધી પછી રદ કરાયેલી મોટી ચલણી નોટોની ૯૯ ટકા રકમ બેન્કોમાં પાછી આવી ગઈ છે અને ફક્ત ૧ ટકા નોટો જ પાછી નથી આવી તેવા રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડા પછી પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, આના પરથી એવું માની શકાય કે બ્લેક મનીની રકમ કરચોરો દ્વારા કન્વર્ટ કરીને રોકડમાં બેન્કોમાં જમા કરાવવા આવી છે. આ જમા રકમ પર બેન્કો દ્વારા તેમને વ્યાજ ચૂકવવામાં આવે છે, આને કારણે રિઝર્વ બેન્ક પર વર્ષે રૂ. ૨૫,૦૦૦ કરોડનો વ્યાજનો બોજો વધ્યો છે.