નોટબંધી પછી ૧૪૩ ભારતીય બિલિયોનેરની ક્લબમાંથી ૧૧ ધનવાનોની બાદબાકી

Thursday 09th March 2017 05:38 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા નવેમ્બરમાં નોટબંધી જાહેર કરી એ પછી દેશની બિલિયોનેર ક્લબને પણ અસર થઈ હતી. નોટબંધીના કારણે ૧૪૩ બિલિયોનેરની ક્લબમાંથી ૧૧ ધનવાન કુટુંબોની બાદબાકી થઈ ગઈ છે. જોકે, નોટબંધી પછી પણ મુકેશ અંબાણીએ ૨૬ અબજ ડોલરની સંપત્તિ સાથે દેશની સૌથી ધનવાન વ્યક્તિ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ પ્રમાણે, હાલ ભારતમાં ૧૩૨ બિલિયોનેર છે, જેમની પાસે ઓછામાં ઓછી એક અબજ ડોલરની સંપત્તિ છે. આ તમામની બિલિયોનેરની કુલ નેટવર્થ ૩૯૨ અબજ ડોલર છે. ગયા વર્ષે આ તમામ બિલિયોનેરની કુલ સંપત્તિમાં ૧૬ ટકાનો જંગી વધારો થયો હતો, પરંતુ નોટબંધી પછી આ ક્લબમાંથી ૧૧ બિલિયોનેર ઘટી ગયા છે. આ કારણસર બિલિયોનેર ક્લબની કુલ નેટવર્થમાં પણ ઘટાડો નોંધાયો છે. દેશના ટોપ ટેન ધનવાનોની યાદીમાં મુકેશ અંબાણી પછી ૧૪ અબજ ડોલરની સંપત્તિ સાથે એસ.પી. હિંદુજા પરિવાર છે. એ પછી ૧૪ અબજ ડોલરની સંપત્તિ સાથે દિલીપ સંઘવીનું સ્થાન છે.

હુરુનના અહેવાલમાં જણાવાયું છે કે, નોટબંધી જેવી સરકારની વિવિધ નીતિઓના કારણે ભારત માટે આ વર્ષ આર્થિક રીતે ઘણું મુશ્કેલ રહ્યું. જોકે, લાંબા ગાળે પારદર્શન ચલણી નાણાંની સિસ્ટમ અર્થતંત્ર માટે લાભદાયી પુરવાર થશે. અત્યારે દેશમાં સૌથી વધારે, કુલ ૪૨ બિલિયોનેર, મુંબઇમાં વસે છે. એ પછી ૨૧ બિલિયોનેર સાથે દિલ્હી અને નવ બિલિયોનેર સાથે અમદાવાદનો નંબર આવે છે. રાજ્યોની દૃષ્ટિએ જોઇએ તો ૫૧ બિલિયોનેર સાથે મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. એ પછી દિલ્હીમાં ૨૨, ગુજરાતમાં દસ અને કર્ણાટકમાં નવ બિલિયોનેર રહે છે.

બિલિયોનેરમાં નવો ચહેરો પતંજલિના બાલક્રિશ્નન

દેશની બિલિયોનેર ક્લબમાં ગયા વર્ષે ૨૭ નવા ચહેરા ઉમેરાયા હતા, જ્યારે ૩૧ ધનિકોની નેટવર્થ ઘટતા આ ક્બલમાંથી તેઓની બાદબાકી થઈ ગઈ હતી. ગ્લોબલ બિલિયોનેર્સ દ્વારા જારી કરાયેલી યાદી પ્રમાણે, બિલિયોનેર ક્લબના સૌથી નવા ચહેરા પતંજલિના આચાર્ય બાલક્રિશ્નન છે. તેઓ ૩.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે ૨૯મા નંબરે આવે છે. આ યાદીમાં કિરણ મજુમદાર શો ૧.૯ અબજ ડોલરની સંપત્તિ સાથે સ્થાન મેળવનારા એકમાત્ર મહિલા ઉદ્યોગપતિ છે. બિલિયોનેર્સ ક્લબમાંથી નીકળી ગયેલા સૌથી યુવાન ઉદ્યોગસાહસિકો સચિન બંસલ અને બિની બંસલ છે. આ અહેવાલ પ્રમાણે, ૩૨ બિલિયોનેર્સ એવા છે, જેમણે ભારતને અલવિદા કહીને અન્ય કોઇ દેશનું નાગરિકત્વ સ્વીકારી લીધું છે. આ લોકમાં ૧૩ ઉદ્યોગપતિ યુએઇમાં સ્થાયી થયા છે.

દેશના સૌથી દસ ધનવાનો

મુકેશ અંબાણી ૨૬ અબજ ડોલર

એસ.પી. હિંદુજા પરિવાર ૧૪ અબજ ડોલર

દિલીપ સંઘવી ૧૪ અબજ ડોલર

પાલોનજી મિસ્ત્રી ૧૨ અબજ ડોલર

લક્ષ્મી મિત્તલ ૧૨ અબજ ડોલર

શિવ નાદર ૧૨ અબજ ડોલર

સાયરસ પૂનાવાલા ૧૧ અબજ ડોલર

આઝિમ પ્રેમજી ૯.૭ અબજ ડોલર

ઉદય કોટક ૭.૨ અબજ ડોલર

ડેવિડ અને સિમોન રુબેન ૬.૭ અબજ ડોલર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter